અમદાવાદ : ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દિવસે બહેન પોતાના ભાઈના ઘરે જઈને રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવતી હોય છે. એવામાં જે બહેનોના ભાઈ દૂર રહેતા હોય, ત્યાં પહોંચવા માટે બહેનોને બસમાં મુસાફરી કરવી પડતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ કમિટીએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(AMTS) દ્વારા રક્ષાબંધનના તહેવારમાં મહિલાઓ એએમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMTS કમીટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે રક્ષાબંધન માં મોટી સંખ્યામાં મહિલાઓ ભાઈને રાખડી બાંધવા માટે તેમના ઘરે જતી હોય છે. AMTS બસમાં મહિલાઓ માટે રક્ષાબંધનના દિવસે મફત મુસાફરી કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સવારે બસના શરૂઆતથી લઈ રાત્રે બસ બંધ થાય ત્યાં સુધી કોઈ પણ રૂટ અને સ્થળની AMTS બસમાં મહિલાઓને ટિકિટ લેવાની રહેશે નહીં. ગત વર્ષે રક્ષાબંધનમાં 50 હજારથી વધુ મહિલાઓએ મુસાફરી કરી હતી ત્યારે ચાલુ વર્ષે પણ રક્ષાબંધનના તહેવારમાં મહિલાઓને મફતમાં મુસાફરી કરી શકે તેઓ નિર્ણય લેવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, અમદાવાદની લાલ બસ એટલે કે, AMTSમાં રોજના 4.27 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. જેમાં બે લાખ મહિલા મુસાફરોનો પણ સમાવેશ થાય છે. જેના પગલે લાખો બહેનો રક્ષાબંધનના દિવસે ફ્રી મુસાફરીનો લાભ મેળવી શકશે.