અમદાવાદ : ગઇકાલે મોડી રાત્રે બોપલ કબીર એન્કલેવ પાસે આવેલા શિવાલય રોહાઉસમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં કલ્પેશ ટૂંડિયા નામના યુવકને માથાના ભાગે ગોળી વાગી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.પોલીસને યુવક પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે. જેના લીધે આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બોપલ વિસ્તારમાં ગઈ રાત્રિએ ફાયરિંગનો બનાવ બન્યો છે. બે રાઉન્ડ ફાયરિંગ થતાં કબીર એન્કલેવમાં રહેતા કલ્પેશ ટુંડિયા નામના યુવકના માથાના ભાગે ગોળી વાગતાં લોહીલુહાણ હાલતમાં વકીલ સાહેબ બ્રિજ નજીક આવેલી સરસ્વતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.. આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો? એને લઈ પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે, મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળતાં પોલીસ બીજા એન્ગલથી પણ તપાસ કરી રહી છે. બનાવની પ્રાથમિક તપાસમાં પૈસાની લેતીદેતી કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરતા યુવક સ્ટોક બ્રોકર હતો અને તેમના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી પણ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ આ ઘટનાને આત્મહત્યાની ઘટના માનીને પ્રાથમિક તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં એલસીબી, એસઓજી સહિતની અનેક પોલીસ ટીમે તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલે અન્ય કોઇ બાબત છે કે નહીં તે દિશામાં વધારે તપાસ હાથ ધરી છે.