અમદાવાદ : અમદાવાદમાં એક રીક્ષાવાળાને કિંમતી સોનાના દાગીના અને અગત્યના દસ્તાવેજોથી ભરેલું એક બેગ મળ્યું. આ બેગ તે પોતાની પાસે રાખીને એક સારી જિંદગી જીવી શકતો હતો. પોતાની પાસે રાખીને ભવિષ્ય સુનિશ્ચિત કરી શકો હતો. પરંતુ તેણે આમ ન કર્યું અને ઈમાનદારી બતાવતા બેગને તેના સાચા માલિક સુધી પહોંચાડવા માટે પોલીસને સોંપ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન 85ના સભ્ય મહેશભાઈ પટણી 6 ઓગસ્ટ, 2025ના રોજ મહેશભાઈએ માણેકચોકથી એક પેસેન્જરને હોટલ સુધી પહોંચાડ્યા હતા.પેસેન્જરને ઉતારીને નીકળ્યા બાદ તેમના ધ્યાનમાં આવ્યું કે રીક્ષાની પાછળની સીટ પર મુસાફર પોતાની બેગ ભૂલી ગયા છે. મહેશભાઈ તરત જ હોટલ પર પાછા ફર્યા પરંતુ ત્યાં પેસેન્જર મળ્યા નહીં.બેગની તપાસ કરતા તેમાં કિંમતી સોનાના દાગીના અને અગત્યના દસ્તાવેજો હોવાનું જાણવા મળ્યું. મહેશભાઈએ વિના વિલંબે કાલુપુર પોલીસ સ્ટેશન જઈને ઇન્સ્પેક્ટર એચ.આર. વાઘેલાને બેગ સોંપી દીધી.
તેમની આ પ્રામાણિકતા અને ઈમાનદારીની કદર કરતાં કાલુપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.આર. વાઘેલાએ મહેશભાઈ પટણીને પ્રશંસા પ્રમાણપત્ર આપ્યું છે.આ ઘટના સમાજમાં ઈમાનદારી અને નૈતિક મૂલ્યોનું મહત્વ દર્શાવે છે. અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન 85ના ખજાનચી શંકરભાઈ ભીખાભાઈ રાઠોડે પણ મહેશભાઈની આ પ્રશંસનીય કામગીરીની નોંધ લીધી છે.