અમદાવાદ: અમદાવાદના જમાલપુરમાં આજે વહેલી સવારમાં ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં એક ડોર-ટુ-ડોક ચલાવતી ગાડીએ ભયંકર અકસ્માત સર્જ્યો હોવાના વીડિયો પ્રકાશમાં આવ્યાં છે. જમાલપુર પગથિયા પાસેથી સોના કટ પીસ સુધી ડોર-ટુ-ડોર ચલાવતી એક ગાડીએ અચાનક નિયંત્રણ ગુમાવતાં ભયાનક અકસ્માત થયો હતો. ડોર-ટુ-ડોક ચલાવતી ગાડીએ રસ્તાની સાઈડમાં ઊભેલી 7થી 8 રિક્ષાઓને અડફેટે લીધી હતી. જો કે, સ્થાનિકોએ ડાલી ચલાવતા ડ્રાઈવરને ફરાર થયા તે પહેલા જ ઝડપી લીધો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે સવારે શહેરના જમાલપુરમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડતા AMCના ગાર્બેજ કલેક્શન કરતા વાહને 7થી 8 રિક્ષાઓને અડફેટે લીધી હતી. આ ઉપરાંત રસ્તામાં ચાલતા રાહદારીઓને પણ અડફેટે લીધા હતા. પૂરપાટ ઝડપે આવતા આ વાહનની અડફેટે 7 થી 8 જેટલા લોકો આવ્યા હતા. આ અકસ્માતમાં કચરાની ગાડીની નીચે વાહનચાલક આધેડ આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં કચરાની ગાડીના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને રસ્તામાં આવેલા તમામ વાહનોને અડફેટે લીધા હતા. આટલું જ નહીં રાહદારીઓને પણ અડફેટે લીધા હતા.
મળતી વિગતો પ્રમાણે અત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા બે અન્ય ઘાયલો સાથે પૂછપરછ કરીને પોલીસે આગળની તપાસ કરશે. જો કે, ડ્રાઈવરની તો ધરપકડ કરી લેવામાં આવી છે. આ સમગ્ર અકસ્માતના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે.