અમદાવાદના જર્જરિત શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. શહેરના પોલીસ કમિશ્નર દ્વારા સાત મહિના માટે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં, રોજિંદા ધોરણે આ બ્રિજ પર બેરોકટોક વાહનો પસાર થઇ રહ્યા છે. આ પરિસ્થિતિ શહેરના નાગરિકો માટે મોટું કોખમ ઊભું કરી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં પોલીસ કમિશનરના જાહેરનામાંના લીરેલીરા ઉડતા હોય તેવું લાગી રહ્યું છે. આ બ્રિજ ઉપરથી એએમટીએસ બસ, લક્ઝરી, AMCના કચરાના મોટા ડમ્પર, એલપીજી ગેસ સિલિન્ડરની ગાડીઓ પણ પસાર થઈ રહી છે. તંત્રનું ભારે વાહનો માટે પ્રતિબંધનું જાહેરનામું છતાં બ્રિજ પરથી બેરોકટોક ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. તંત્ર દ્વારા આ બ્રિજના બંને છેડે કોઈ બોર્ડ કે બેનર પણ લગાવવામાં આવ્યા નથી. જો આ જર્જરિત બ્રિજ પર ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? તેવો પ્રશ્ન હાલ તો લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.
સવાલ એ થાય છે કે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય તો પછી તેનું પાલન કેમ નથી થઇ રહ્યું? શું તંત્ર આ ગંભીર બેદરકારી સામે આંખ આડા કાન કરી રહ્યું છે? જો કમનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? આ બ્રિજની સ્થિતિ જોતા સ્પષ્ટ છે કે તે ગમે ત્યારે ઘસી પડી શકે છે અને જો તેવું થાય તો જાનમાલનું મોટું નુકસાન થઇ શકે છે.
અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા સાબરમતી નદી પરના શાસ્ત્રી બ્રિજ પર ભારે અને મધ્યમ માલવાહક વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હુકમનું કારણ બ્રિજની જર્જરિત બેરિંગ અને પેડેસ્ટલનું સમારકામ કરવાનું છે. આ પ્રતિબંધ 9/8/2025 થી 8/2/2026 સુધી અમલમાં રહેશે. વાહનચાલકોને કોઈ અગવડ ન પડે તે માટે વૈકલ્પિક માર્ગો પણ સૂચવવામાં આવ્યા છે, જેમાં લાંભા, જશોદાનગર અને સરખેજ તરફથી આવતા ટ્રાફિક માટે બહેરામપુરા થઈને ડો. બાબાસાહેબ આંબેડકર બ્રિજવાળા માર્ગનો ઉપયોગ કરવાનું જણાવાયું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ સંજોગોમાં પોલીસ અને ટ્રાફિક વિભાગની જવાબદારી બને છે કે, તેઓ તાત્કાલિક અસરથી આ જાહેરનામું કડક પાલન કરાવે. માત્ર જાહેરનામું બહાર પડવાથી કામ પૂરું થતું નથી પરંતુ તેનું અમલીકરણ પણ એટલું જ જરૂરી છે. જો આ બેદરકારી ચાલુ રહેશે, તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે જેના પરિણામો અત્યંત ગંભીર હશે. તંત્રએ આ મુદ્દે ગંભીરતાથી વિચારવું જોઈએ અને તાત્કાલિક પગલાં ભરવા જોઈએ.