અમદાવાદ : અમદાવાદના નાગરિકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમે અત્યારે પીવાનું પાણી પીતા હોય તો એકવાર તપાસ કરીને પીજો, કારણ કે શહેરમાં થોડા દિવસ પીવાનું પાણી ડહોળાશ વાળુ આવશે. સરદાર સરોવર ડેમમાં નવા પાણીની આવક વધતા રો-વોટરમાં ડહોળાશનું પ્રમાણ જોવા મળે છે, જેના કારણે પાણી થોડું ડહોળાશ વાળુ આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે, સામાન્ય ડહોળાશ વાળા પાણીને ઉકાળીને પીવાનું રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોડક્શન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરદાર સરોવર ડેમમાં નવા પાણીની આવક વધતાં રો-વોટરમાં ટર્બીડીટીનું (ડહોળાશ) પ્રમાણ સામાન્ય કરતાં વધુ આવે છે. જેથી આગામી દિવસોમાં ડહોળાશ વાળુ પાણી આવવાની શક્યતા રહેલી છે. વધુમાં રો-વોટરમાં ટર્બીડીટીનું (ડહોળાશ) પ્રમાણ સામાન્ય કરતાં વધુ હોવાના લીધે વોટર વર્કસમાં પાણીને ચોખ્ખું કરવામાં પણ સમય લાગે છે. જેથી વિતરણ કરવામાં આવતા જથ્થામાં પણ ઘટાડો થાય છે, જેથી પાણી સામાન્ય કરતાં ઓછું આવવાની શક્યતા રહેલી છે.
અમદાવાદ શહેરમાં પાણીનો જથ્થો સરદાર સરોવરની નર્મદા નહેરમાં મેળવી મ્યુનિ. કોર્પોરેશનના જાસપુર અને કોતરપુર વોટર વર્કસમાં શુદ્ધ કરી પુરો પાડવામાં આવે છે. અમદાવાદીઓને અપીલ કરવામાં આવી છે કે, આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જ પાણીનો જરૂરી સંગ્રહ કરી લે.