અમદાવાદ : અમદાવાદ શહેર સતત વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે. નવા વિસ્તારોનો વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને વધતી જનસંખ્યા સાથે શહેરમાં સુરક્ષાની જરૂરિયાત પણ વધતી જાય છે. આવા સમયમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધુ 2200 CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનું AMCએ નક્કી કર્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોની કચેરીઓ સહિતની બંધ જગ્યાઓમાં CCTV કેમેરા લગાવવા માટે ઇ-ગવર્નન્સ વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ માટે 3 થી 4 કરોડ રૂપિયાના ખર્ચે CCTV કેમેરા લગાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય હેઠળ 1000ને બદલે 2000 કેમેરા લગાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં વારંવાર નવા ટેન્ડરો બહાર પાડવાની જરૂર ન પડે.
શહેરના વિવિધ સિવિક સેન્ટર, આરોગ્ય કેન્દ્રો, લાઇબ્રેરી, જીમ અને સ્નાનગૃહનો સમાવેશ થાય છે. આ તમામ ઇમારતોમાં CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 2000 CCTV કેમેરા લગાવવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ 3 થી 4 કરોડ રૂપિયા હશે. આ કેમેરાઓ દ્વારા તમામ ઇમારતોનું નિરીક્ષણ વધુ અસરકારક રીતે કરી શકાશે.
આ કેમેરાઓ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો પોતાના ઝોનની કચેરીઓ પર નજર રાખી શકશે અને તેમના આઈડી દ્વારા લૉગિન કરીને વિડિયો ઍક્સેસ કરી શકશે. આ ઉપરાંત, કેમેરાઓના જાળવણી માટે ઑન-સાઇટ એન્જિનિયરોની સુવિધા પૂરી પાડવામાં આવશે, જેઓ કેમેરાઓ સંબંધિત ફરિયાદો અને જાળવણીનું કામ સંભાળશે.