અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસ દરમિયાન બંદોબસ્તની ફરજ પૂર્ણ કરીને પરત ફરી રહેલી બે મહિલા કર્મચારીઓનું કમકમાટીભર્યા અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કઠવાડા વિસ્તારમાં એક ડમ્પરે તેમની એક્ટિવાને ટક્કર મારતા આ દુર્ઘટના બની હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિરલબેન રબારી અને 108માં ફરજ બજાવતા હિરલબેન રાજગોર સાંજના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસ દરમિયાન બંદોબસ્તની ફરજ પૂર્ણ કરીને પરત એકટીવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન નરોડા 108 ઈમરજન્સી સેન્ટર નજીક અજાણ્યા ડમ્પર ચાલકે એકટીવાને ટક્કર મારી હતી.જેના કારણે વિરલબેન અને હિરલબેનને ગંભીર ઇજા થઈ હતી.ત્યાં હાજર પોલીસ દ્વારા પોલીસની ગાડીમાં જ બંનેને સેલબી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જોકે ગંભીર ઇજાના કારણે બંનેનું હોસ્પિટલમાં જ મોત થયું હતું.સમગ્ર બનાવવા અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પોલીસ બેડામાં અને કર્મચારીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી જાણકારી પ્રમાણે બંને મહિલા કર્મચારીઓ પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવ્યાં હતા. બંદોબસ્ત કરીને મહિલા પોલીસ કર્મચારી અને 108ના કર્મચારી એક એકટીવા ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે અજાણ્યા ડમ્પર ચાલકની પણ તપાસ ચાલી રહી છે. ડમ્પરચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.