અમદાવાદ : ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં બે દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે (26 ઓગસ્ટ) સવારે છ વાગ્યે ધરોઈ ડેમમાંથી 51848 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ વધ્યું છે. સંત સરોવર ડેમમાંથી પણ 96,234 પાણી છોડવામાં આવ્યું છે, જેથી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના પગલે અમદાવાદ શહેરના 19 વિસ્તાર અને જિલ્લાના 133 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના 27 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધતું જઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરના 19 જેટલા વિસ્તારો અને જિલ્લાના 133 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.સંત સરોવરમાંથી 96,234 ક્યુસેક પાણી છૂટતાં, નદીના કાંઠા વિસ્તારના રહેવાસીઓને અને અધિકારીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. સબંધિત વિભાગો સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
એલર્ટ ધરાવતા અમદાવાદના મુખ્ય વિસ્તારો:
પાલડી
જૂના વાડજ
નવા વાડજ
એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તાર
જમાલપુર
રાયખડ
કોચરબ
સુભાષ બ્રિજ વિસ્તાર
પીરાણા
પીપળજ
ગોપાલપુર
શાહવાડી
કામા હોટલ વિસ્તાર
સાબરમતી પાવર હાઉસ
સરખેજ
દૂધેશ્વર
માધુપુરા
શાહપુર
સુભાષ બ્રિજથી વ્હાઇટ સિગ્નલ એલર્ટ પણ અપાયું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આગલા કલાકોમાં પાણીનો પ્રવાહ વધુ વધી શકે છે. સરખેજના બાકરોલ ગામ સહિત આસપાસના ગામડાઓમાં પાણીના સ્તરમાં સતત વધારો નોંધાયો છે, જેના કારણે કેટલાંક ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. શહેરના નગરસેવકો, પોલીસ અને તંત્ર સક્રિય થયુ છે, અને તમામ જવાબદાર અધિકારીઓને સ્ટેન્ડ બાય પર રહેવા સૂચના અપાઈ છે. જાહેર જનતાને નદીના કાંઠાવર જવા નહિ જવાની વિનંતી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.