અમદાવાદ : અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (આહના) સાથે જોડાયેલી શહેરની 150 હોસ્પિટલમાં સોમવારથી 15 ઓગસ્ટ સુધી કેશલેશની સુવિધા બંધ કરવામાં આવી છે. વીમા પોલિસીમાં સર્જરીનો ચાર્જ વધારવાની આહનાની માગણી છે. શહેરની 150 હોસ્પિટલમાં કેશલેશની સુવિધા છે. જેમાં રોજ 1500થી 2 હજાર દર્દી કેશલેશનો લાભ લે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે, કેટલીક સર્જરી માટે કંપનીઓ દ્વારા ફિક્સ ચાર્જ નક્કી કરાયો છે. જેમાં ડાયાબિટીસ, હૃદય રોગ જેવી કો-મોર્બિડિટીને ધ્યાનમાં લેવામાં આવેલ નથી. તેની સાથે જ ચાર્જ ખૂબ જ ઓછા હોવાથી ક્વોલિટી સારવાર આપી શકાતી નથી. જે બાબતે અસંખ્યવાર જાહેર ક્ષેત્રની વિમા કંપનીઓને રજુઆત કરવા છતાં પ્રશ્નનો નિવેડો નહીં આવતા, આ કંપનીઓના આરોગ્યવિમા ધારકોની કેશલેસ સુવિધા 08-08-2022 થી 15-08-2022 સુધી સ્થગિત કરવામાં આવશે.
જાહેરક્ષેત્રની વિમા કંપનીઓ જેમના આરોગ્ય વિમા ધારકોને કેશલેસ સુવિધા સ્થગિત કરવામાં આવશે તેમાં ધી ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લી., નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લી., યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લી., તેમજ ધી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લી.નો સમાવેશ થાય છે.