અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે કેટલીક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી રાહતોની જાહેરાત કરવામાં આવી છે. 17મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદની SVP હોસ્પિટલમાં ઓપીડી અને લેબોરેટરીના તમામ ચાર્જ ફ્રી રહેશે. જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.
મુખ્ય કાર્યક્રમો
શા.ચી.લા મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ: અહીં સ્તન કેન્સરની તપાસ માટે મેમોગ્રાફી મશીનનો ઉપયોગ કરીને એક કેમ્પનું આયોજન કરાયું છે, જેની અંદાજિત કિંમત ₹600 છે. આ ઉપરાંત, 30 થી 60 વર્ષની વયના દર્દીઓમાં હાર્ટ-એટેકની સંભાવના તપાસવા માટે સીટી કેલ્શિયમ સ્કોરિંગ તપાસ કેમ્પ પણ યોજાશે, જેની અંદાજિત કિંમત ₹500 છે. જરૂરિયાતમંદ દર્દીઓને સક્ષમ સત્તાની મંજૂરી બાદ આ સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.
SVP હોસ્પિટલ: આ હોસ્પિટલમાં, મલ્ટિસ્પેશિયાલિટી અને સુપર-સ્પેશિયાલિટી વિભાગોમાં આવતા તમામ દર્દીઓનું કન્સલ્ટેશન અને તબીબી તપાસ વિનામૂલ્યે કરવામાં આવશે. અહીં ખરીદાયેલા અદ્યતન મેમોગ્રાફી મશીનનું પણ લોકાર્પણ થશે અને લોકાર્પણ પછી આખો દિવસ મેમોગ્રાફીના તમામ સ્ક્રીનિંગ્સ વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે.
એલ.જી. હોસ્પિટલ: આ હોસ્પિટલમાં ડાયાબિટીસ સ્ક્રીનિંગ, સર્વાઇકલ કેન્સર માટે પેપ સ્મીયર, અને સ્તન કેન્સર માટે મેમોગ્રાફીની સુવિધા એક દિવસ માટે મફત અથવા નજીવા દરે આપવામાં આવશે. સામાન્ય દિવસોમાં મેમોગ્રાફીનો ભાવ ₹600 નક્કી કરાયો છે. આ દિવસે ઓપીડી બુક (જેની કિંમત ₹10 છે) પણ વિનામૂલ્યે આપવામાં આવી શકે છે.
નગરી હોસ્પિટલ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના પદાધિકારીઓ, કમિટીના ચેરમેનો, ડેપ્યુટી ચેરમેનો અને કાઉન્સિલરોના વોર્ડમાં આવતા વૃદ્ધાશ્રમોમાં હોસ્પિટલના ડોકટરોની ટીમ દ્વારા આંખોની તપાસ કરી જરૂરી સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.