અમદાવાદ : શહેરના વિશાલા સર્કલ નજીક સિટીગેટ બિલ્ડીંગની સામે એક કારચાલકે પૂરઝડપે આવતા એક રીક્ષાચાલકને ટક્કર મારી હતી. જેમાં રીક્ષા ચાલક ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગાડીમાં સવાર વ્યક્તિ પોલીસ હોવાનું સામે આવ્યું હતું. લોકોએ તેને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો.સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના વિશાલા સર્કલ પાસે સિટીગેટ બિલ્ડિંગની સામે બરફની ફેક્ટરી પાસે એક કારચાલકે પૂર ઝડપે આવીને રિક્ષાચાલકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈને પડી ગઈ હતી. આ ઘટનામાં રિક્ષાચાલક ઈજાગ્રસ્ત થઈને બેભાન થઈ ગયો હતો. બાદમાં આસપાસના લોકોએ ભેગા થઈને રિક્ષાચાલકને 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો, જ્યારે કારચાલકને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો.
જો કે આ દરમિયાન લોકોને કારમાંથી પોલીસ વર્ધી અને બંદોબસ્તના પાસ તેમજ બિયરની બોટલ પણ પણ જોવા મળી હતી. કારચાલક પોલીસકર્મી હોવાનું જાણવા મળતા લોકોએ તેને પકડીને એમ. ટ્રાફીક પોલીસ સ્ટેશન પોલીસને સોંપ્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસકર્મી નશામાં હતો. આ બનાવ અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.