અમદાવાદ : નવરાત્રિને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં ઠેર ઠેર ગરબાનાં આયોજન થયાં છે અને જેના કારણે ખેલૈયાઓમાં એક અલગ લેવલનો જોશ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ ગરબા રમવા કાળા કાચની ગાડી લઈને જશે તો કેટલાક પાર્ટી પ્લોટ બહાર અને પાર્કિગમાં પોલીસ કાળા કાચની ગાડીઓ ચેક કરશે. કાળા કાચની ગાડીને ત્યાં લોક કરીને કાર્યવાહી કરાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત હાઈકોર્ટે ગાડીઓના કાચ પરથી બ્લેક ફિલ્મ હટાવવા માટેનું કડક શબ્દોમાં સૂચન કરતાં પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે. હાલ બ્લેક ફિલ્મ, નંબરપ્લેટ વગરનાં વાહનોની સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે. હાઇકોર્ટની ટકોર બાદ પોલીસની આ ડ્રાઈવ નવરાત્રિના 10 દિવસ સુધી ચાલશે.અત્યારે સુધીમાં અનેક વાહન ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. હવે અમદાવાદ પોલીસ ગરબા સ્થળે પર આ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. નવરાત્રિમાં પોલીસ બ્લેક ફિલ્મવાળી કારને પાર્કિંગ પ્લોટમાં લોક મારી કાર્યવાહી કરશે.
આ સાથે સાથે નવરાત્રિ દરમિયાન સુરક્ષા જળવાઈ રહે તે માટે પણ પોલીસે ખાસ આયોજન કર્યું છે. ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આગામી તહેવારોને લઈને કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો. જેથી જ્યા પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હશે ત્યાં પોલીસની હાજરી ફરજિયાત રહશે. સાથે ગરબાની જગ્યાએ સીસીટીવી કેમેરા, ફાયરસેફ્ટી અંગે ધ્યાન આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ દરમિયા પોલીસ કર્મચારીઓ બોડીવોર્ન કેમેરા સાથે ફરજ પર રહેશે. એટલું જ નહીં પરંતુ સી ટીમ ટ્રેડિશન પહેરવેશમાં ગરબા રમીને મહિલા સુરક્ષાનું ખાસ ધ્યાન રાખશે.
પોલીસના જણાવ્યાં પ્રમાણે શહેરમાં આ નવ દિવસ દરમિયાન ખાસ ડ્રાઈવ ચાલવાની છે. શહેરના દરેક રસ્તા પર પોલીસ તૈનાત રહેશે અને આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરશે. જો કે, કોઈ વ્યક્તિ પોલીસથી બચીને ગરબા સ્થળે પહોંચી જાય છે, તો પોલીસ ગરબાના પાર્કિટમાં પણ તપાસ કરશે અને જે પણ ગાડી નંબર વગરની હશે અથવા તો કાળા કાચ વાળી હશે તેને લોક મારી દેશે. બાદમાં જે તે વ્યક્તિએ દંડ ભરીને લોક ખોલાવવું પડશે. મહત્વની વાત એ છે કે જ કોઈ કાયદાનો ભંગ કરવાનું વિચારતા હોય તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.