અમદાવાદ : આવતીકાલ એટલે 22 મીથી આસો નવરાત્રી એટલે કે શારદિય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં શારદિય નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે અને આ સમય દરમિયાન શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટે છે. શારદિય નવરાત્રી પર દર્શનાર્થીઓની ભીડને ધ્યાને લઈને પાવાગઢ, અંબાજી અને ચોટીલા સહિતના મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, આસો સુદ-1 (એકમ) સોમવાર તા.22/09/2025ના રોજ માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આરતી સવારે 7:30 થી 8:00, દર્શન સવારે 8:00 થી 11:30, રાજભોગ 12 કલાકે, દર્શન બપોરે 12:30 થી 16:15, આરતી સાંજે 18:30 થી 19:00, દર્શન સાંજે 19:00 થી 21:00 વાગ્યા સુધીનો સમય રહેશે.
મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીના કાર્યક્રમની વિગતો પણ આપવામાં આવી છે, જે અનુસાર આસો સુદ એકમના દિવસે ઘટ સ્થાપનની વિધિ સવારે 9 વાગ્યે, આસો સુદ આઠમના દિવસે દુર્ગાષ્ટમી તા.30/09/2025 ના રોજ આરતી સવારે 6-00 કલાકે થશે. જ્યારે ઉત્થાપન આસો સુદ-8 મંગળવારને તા.30/09/2025 ના સવારે 12:00 કલાકે, વિજયાદશમી આસો સુદ-10 ગુરુવારને તા.02/10/2025 ના સાંજે 5:00 કલાકે, દૂધ પૌઆનો ભોગ (પૂનમ) તા.06/09/2025 સોમવારના રોજ રાત્રે 12:00 કલાકે કપુર આરતી, આ ઉપરાંત આસો સુદ પૂનમ મંગળવાર તા.07/10/2025 ના રોજ આરતી સવારે 6-00 કલાકે કરવામાં આવશે અને તા.08/10/2025ના રોજથી આરતી-દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.
યાત્રાધામ પાવાગઢના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ, પાવાગઢ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર આસો સુદ એકમથી પૂનમ સુધી માતાજીના દર્શનના સમયમાં વધારો કરાયો છે. આસો સુદ એકમ (પહેલું નોરતું), પાંચમ, સાતમ, આઠમ, તેરસ, અને પૂનમના દિવસે મંદિરના દ્વાર વહેલી સવારે 5 વાગ્યે ખુલશે અને રાત્રે 8 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. જ્યારે છઠ્ઠા નોરતાના દિવસે દર્શનનો સમય વહેલો શરૂ થશે. આ દિવસે મંદિર સવારે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તે ઉપરાંત આ ખાસ દિવસો સિવાયના અન્ય દિવસો દરમિયાન મંદિરના દ્વાર સવારે 6 વાગ્યે ખુલશે અને રાત્રે 8 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે પણ નવરાત્રીને ધ્યાને લઈને મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ, ચોટીલા દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, ચોટીલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનાં મંદિરે તા.22/09/2025 ના રોજ પ્રથમ નોરતા અને તા.30/09/2025 ના આઠમા નોરતા ની સવારની આરતીનો સમય 04:00 વાગ્યાનો રહેશે. જ્યારે નવરાત્રીના બાકીના સાત દિવસ સવારની આરતીનો સમય 05:00 વાગ્યાનો રહેશે.
પગથીયાનો દ્વાર ખુલવાનો સમય સવારની આરતીના સમયથી 30 મિનિટ પહેલાનો રહેશે. નવરાત્રી દરમિયાન દરરોજ સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયનો રહેશે. તા.30/09/2025ના રોજ ડુંગર ઉપર હવન થશે અને બપોરે 02:30 વાગ્યે બીડું હોમાશે. નવરાત્રી દરમિયાન હવનાષ્ઠમી સિવાયના આઠ નોરતાના દિવસે મંદિર ભોજનાલયમાં ભોજન-પ્રસાદનો સમય બપોરે 11:00 થી 02:00 વાગ્યાનો રહેશે. જ્યારે હવનાષ્ઠમીના દિવસે ભોજન-પ્રસાદનો સમય બીડું હોમાયા પછી બપોરે 02:45 વાગ્યાનો રહેશે.