અમદાવાદ : અમદાવાદમાં લૂંટ વિથ હત્યા કેસના આરોપી સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. રિકસ્ટ્રક્શન દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ગોળી વાગતા વિપુલ પરમારનું મોત થયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે (24 સપ્ટેમ્બર) તેને રિકસ્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લઈ જવાયો હતો. આ દરમિયાન આરોપી વિપુલ ભાગવા લાગ્યો હતો, આ દરમિયાન પોલીસે તેને રોકવા ફાયરિંગ કર્યું હતું. જે એન્કાઉન્ટરમાં આરોપી વિપુલનું મોત થયું છે.
પ્રાપ્ત વિગત અનુસાર લૂંટ વિથ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી વિપુલ પરમારને રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ ફાયરિંગ થયું હતું.જેમાં આરોપીનું મોત થઈ ગયું છે. આમ જ્યાં તેણે મર્ડર કર્યું ત્યાં જ તેનું પોલીસે ઢીમ ઢાળી દીધું છે. આ દરમિયાન ત્રણ પોલીસકર્મીને ઇજા થઈ હતી. આરોપીએ પોલીસની રિવોલ્વર ઝુંટવી ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં પોલીસે સામે ફાયરિંગ કર્યું હતું. જેમાં વિપુલ પરમારનું ગોળી વાગતા મોત થયું છે.
આ ચકચારી લૂંટ વિથ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારને 23 સપ્ટેમ્બરે રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો હતો. આ કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને સોંપવામાં આવી હતી. આ બનાવના દિવસના કેનાલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં આરોપી બાઇક પર શિકારની શોધમાં ફરતો જોવા મળ્યો હતો.
અમદાવાદના અડાલજ વિસ્તારની હદમાં આવતા અમીયાપુર નજીક કેનાલ પાસે યુવક અને યુવતી સાથે આ બનાવ બન્યો હતો. સરદાર નગર વિસ્તારમાં રહેતા વૈભવ મનવાણીનો જન્મદિવસ હોવાથી તે અને એક યુવતી કેનાલ પાસે ગયા હતા. વૈભવ અને યુવતી બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા ત્યારે કેટલાક લુખ્ખા તત્વોએ ત્યાં આવીને લૂંટ કરી હતી. લુખ્ખા તત્વોએ વૈભવ મનવાણીની છરી મારીને હત્યા કરી હતી. તો યુવતી પર પણ હુમલો કર્યો હતો. જેથી યુવતી કારમાંથી ઈજાગ્રસ્ત હાલમાં મળી આવી હતી, ત્યારબાદ તેને સારવાર માટે ખસેડાઈ હતી, જેમાં તેની હાલત ગંભીર હતી. યુવતી મોટેરા વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.