અમદાવાદ: અમદાવાદ મેડિકલ એસોસિએશનના વર્ષ 2025-26 માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) ના નવા પ્રમુખ તરીકે નવા વાડજના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો. જીગ્નેશ શાહ 2025-26 વર્ષ માટે નિમણૂંક કરવામાં આવી છે, આજ 28 સપ્ટેમ્બર, 2025 ના રોજ અમદાવાદ મેડિકલ એસોસિએશનના આર. એમ. ફોજદાર હોલ ખાતે AMA ની નવી કમિટીની શપથ વિધિનો સમારોહ યોજાયો હતો.
આ શપથવિધિ સમારોહનો શુભારંભ મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરાયો હતો, આ સમારોહમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં પ્રમુખ તરીકે ડો. જીગ્નેશ શાહ ઉપરાંત સેક્રેટરી તરીકે ડો. મૌલિક એસ શેઠ, ઉપપ્રમુખ તરીકે ડો. કલ્પિતા એમ. દવે અને ડો. ધવલ નાયક તથા જોઇન્ટ સેક્રેટરી તરીકે ડો. અમૃતલાલ મહેશ્વરી અને ડો. મનજીત જે નાયક, ફાયનાન્સ સેક્રેટરી તરીકે ડો નૈતિક પટેલ સહિતનાઓની નિમણૂંક કરવામાં આવી છે.124મી ઈન્સ્ટોલેશન સેરેમનીમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કુલ 8 મુખ્ય હોદ્દેદારોએ શપથ લીધા. અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં દર વર્ષે પ્રમુખ તથા હોદ્દેદારો સહિત કુલ 32 લોકોની કમિટીની રચના કરવામાં આવે છે. જેમાં 1 પ્રમુખ, 2 ઉપપ્રમુખ, એક સેક્રેટરી, 2 જોઈન્ટ સેક્રેટરી, 1 ફાઇનાન્સ સેક્રેટરી અને 1 લાઈબ્રેરી સેક્રેટરીની વરણી કરવામાં આવે છે.
આ શપથવિધિ સમારોહમાં પ્રમુખ તરીકે ડો. જીગ્નેશ શાહ અને તેઓની ટીમે 2025-26 વર્ષ માટે શપથ લીધી હતી. મુખ્ય મહેમાન તરીકે NABL ના ચેરમેન ડો. સંદિપ શાહ હાજર રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે જાણીતા સ્પાઈન સર્જન ડો. ભરત દવે અને IMA ના નેશનલ પ્રમુખ ડો. અનિલ નાયક હાજર રહ્યા હતા. શપથગ્રહણ વિધિ જાણીતા ડો. બિપિન પટેલ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે નવ નિયુક્ત પ્રમુખ ડો. જીગ્નેશ શાહે જણાવ્યું હતું કે જાગૃતિ દ્વારા ડોક્ટર-દર્દી વચ્ચેના સુમેળભર્યા સબંધો સ્થપાય, ડાયાબિટીસ કે અંગદાન જેવા વિષયો ઉપર જાહેર જાગૃતિ કાર્યક્રમ કરવા ઉપરાંત સીપીઆર ટ્રેનરોની સંખ્યા વધારવી વગેરે તેઓની પ્રાથમિકતા રહેશે. ઓર્ગન ડોનેશન બાબતે લોકોને જાગૃત કરવા અને વધુમાં વધુ લોકો તે માટે પ્રેરાય એવા પ્રયાસો કરવામાં આવશે.આ ઉપરાંત દિવાળી ઉપર ડોક્ટર ઓન કોલ પણ કરવામાં આવશે.