અમદાવાદ : અમદાવાદમાં રોજના એક લાખથી વધુ મુસાફરો AMTS અને BRTS બસમાં મુસાફરી કરતા હોય છે. જ્યારે બહારગામ જવા માટે લોકો એસટી બસનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે હવે શહેરના છેવાડાના વિસ્તારોમાં એક જ જગ્યાએથી લોકોને એસટી બસ સ્ટેન્ડ અને AMTS તેમજ BRTS બસ સ્ટેન્ડ મળે તે પ્રકારનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. શહેરના ઝુંડાલ, સુભાષબ્રિજ RTO અને નિકોલ કઠવાડા ખાતે બસ ડેપો બનાવવામાં આવશે. AMTS દ્વારા આ પ્રકારના બસ ડેપો બનાવવા માટેની ડિઝાઇન તૈયાર કરવા માટે કંપનીને કામગીરી સોંપવામાં આવનાર હતી, જોકે તેની ફીમાં વધારો હોવાના કારણે હાલ પૂરતી આ દરખાસ્તને બાકી રાખવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMTS કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં લોકો AMTS અને BRTS બસમાં મુસાફરી કરતા હોય છે એક જ સ્થળેથી લોકોને બસની સુવિધા મળી રહે તેના માટે બસ ડેપો બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બહારગામથી અવરજવર કરતા મુસાફરોને શહેરના કોઈપણ સ્થળે જવું હોય તો AMTS તેમજ BRTS બસ મળી રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના શહેરના સરદાર પટેલ રિંગરોડ પર ઝુંડાલ સર્કલ નજીકનો 10000 ચો. મી, સુભાષ બ્રિજ આરટીઓ સર્કલ પાસે 10,000 ચો. મીટર અને નિકોલ કઠવાડા ખાતે 16342 ચો. મી જેટલા પ્લોટમાં બસ ડેપો બનાવવામાં આવશે. જેના માટેની ડિઝાઇન બનાવવાની દરખાસ્ત મુકવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાંથી રોજના લાખો મુસાફરો બહારગામ અવર-જવર કરતા હોય છે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સરળતાથી એક જ જગ્યાએથી બસ મળી રહેતો લોકોને ક્યાંય જવાની જરૂર પડતી નથી. તેના માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા વિશાળ બસ ડેપો બનાવવાની વિચારણા કરવામાં આવી છે. જેના માટે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ જવા માટે સરદાર પટેલ રિંગ રોડ પર ઝુંડાલ સર્કલ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર તરફ જવા માટે આરટીઓ પાસે પણ કોર્પોરેશનનો વિશાળ પ્લોટ ડેપો માટે નક્કી કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત બંને તરફ અવર-જવર કરવા માટે નિકોલ કઠવાડા પાસે 16000 ચો.મી પ્લોટમાં AMTS બસ ડેપો બનાવવામાં આવશે.
સોમવારે મળેલી કમિટી દરમિયાન એક જ સ્થળ ઉપર મુસાફરોને AMTS, BRTS અને એસટી બસની સુવિધા મળી રહે તેના માટે બસ ડેપોની ડિઝાઇન બનાવવા માટે HCP ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને કુલ પ્રોજેક્ટના 4% જેટલી રકમ આપવા માટેની દરખાસ્ત અને બાકી રાખવામાં આવી છે. આ ડિઝાઇન બનાવવા માટેની જે ફી છે તે વધારે હોવાનું લાગી રહ્યું છે જેથી આ બાબતે હાલમાં ફી અંગે કન્સલ્ટન્ટ સાથે ફરી એકવાર ચર્ચા કરી અને બાદમાં તેનો નિર્ણય લેવામાં આવશે.