અમદાવાદ : ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાયો છે. જ્યાં પદગ્રહણ સમારોહ પહેલા જગદીશ વિશ્વકર્મા પોતાના નિવાસ સ્થાનથી ગાંધીનગર કમલમ સુધી ભવ્ય રેલી યોજી હતી. જેમાં ધારાસભ્યો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ટેકેદારો પણ જોડાયા હતા. કમલમમાં વિશ્વકર્માની સત્તાવાર રીતે જાહેરાત થઈ છે અને પદગ્રહણ સમારોહ યોજાયો છે.આ પ્રસંગે ભાજપના અનેક નેતાઓએ તેમને શુભકામના પાઠવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્માની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. તેમણે આ પ્રસંગે કહ્યું કે સંગઠનાત્મક દ્રષ્ટિકોણથી ગુજરાત સમગ્ર દેશમાં શ્રેષ્ઠ છે. ભાજપ છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં સત્તામાં છે. પ્રદેશ પ્રમુખ માટે માત્ર એક જ ફોર્મ મળ્યું હતું. તેથી, જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.જગદીશ વિશ્વકર્માને પ્રમાણપત્ર આપવામાં આવ્યું. મુખ્યમંત્રીએ વિશ્વકર્માને પ્રમુખ પદ માટે નાળિયેર અને ખાંડ ભેટમાં આપી.
ગુજરાત ભાજપના 14મા પ્રમુખ તરીકે આજે જગદીશ વિશ્વકર્માએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું. અન્ય કોઈએ ઉમેદવારીપત્ર ભર્યું નથી, જેના કારણે તેમનું બિનહરીફ ચૂંટાઈ આવવાનું નિશ્ચિત હતું. આ અંગેની સત્તાવાર જાહેરાત આજે રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણ અને ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં કરવામાં આવી હતી.
જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમુદાયના છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીકના માનવામાં આવે છે. જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ સપ્ટેમ્બર ૨૦૨૧થી ગુજરાત સરકારમાં સહકાર મંત્રી રહી ચૂક્યા છે.1973 માં જન્મેલા જગદીશ વિશ્વકર્મા વ્યવસાયે એક ઉદ્યોગપતિ છે. તેમણે બી.એ. પૂર્ણ કર્યું છે, ત્યારબાદ માર્કેટિંગ મેનેજમેન્ટમાં સર્ટિફિકેટ કોર્સ કર્યો છે. હાલમાં તેઓ ગુજરાત સરકારમાં સહકાર મંત્રી છે.
જગદીશ વિશ્વકર્મા 1995થી સક્રિય પાર્ટી કાર્યકર છે. 2010 માં તેઓ અમદાવાદ શહેર ભાજપના ઓબીસી મોરચાના મંત્રી બન્યા હતા. 2012માં તેમણે પહેલીવાર નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી અને 49000 મતોથી જીત મેળવી હતી અને ધારાસભ્ય બન્યા હતા. 2013 માં તેઓ અમદાવાદ શહેર ભાજપના ઉદ્યોગ સેલના કન્વીનર બન્યા હતા.
2016 માં તેમણે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખનું પદ સંભાળ્યું હતું. 2017 માં તેઓ બીજી વખત નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી જીત મેળવીને ધારાસભ્ય બન્યા હતા. જગદીશ વિશ્વકર્મા 2021 થી ગુજરાત સરકારમાં સહકાર રાજ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. 2022 માં તેઓ સતત ત્રીજી વખત નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા હતા.