અમદાવાદ : શહેરની પ્રસિદ્ધ એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની છે. ઘટનાને લઈને હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓમાં થોડો સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ સમયસૂચક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે.હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ કયા કારણસર આગ લાગી એનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં લોન્ડ્રી વિભાગમાં આગ લાગવાની ઘટના બની છે, જેથી નવરંગપુરા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. લોન્ડ્રી વિભાગ હોસ્પિટલ બિલ્ડિંગના બાજુના ભાગે આવેલો છે, જેથી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ત્યાં પહોંચી તપાસ કરતાં જે ઈલેક્ટ્રિક ડક્ટ પસાર થતી હતી ત્યાંથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.
આગના પગલે 30 મિનિટ સુધી હોસ્પિટલનાં બિલ્ડિંગમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે, જોકે ઈલેક્ટ્રિક ડકમાં આગ લાગી હોવાના પગલે વીજ કનેક્શન બંધ કરીને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છેહાલ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને આગ માત્ર લોન્ડ્રી વિભાગ સુધી મર્યાદિત રહી, તેથી હોસ્પિટલની અન્ય સેવા પર કોઇ અસર ન થઈ. આગળની તપાસ માટે એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ વિભાગની ટીમ સ્થળ પર તપાસ હાથ ધરી છે.
આ અગાઉ રવિવારે પાલડીની વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં રવિવારે બપોરે શોર્ટસર્કિટથી આગ લાગી હતી. હોસ્પિટલના કન્સલ્ટિંગ રૂમમાં આવેલા મીટરમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી, જોકે રવિવારની રજા હોવાથી કન્સલ્ટિંગ રૂમ બંધ હતો, જેથી જાનહાનિ ટળી હતી. બીજી તરફ હોસ્પિટલના બીજા માળે આવેલા વોર્ડમાં દાખલ 10 બાળકને સ્ટાફે તાત્કાલિક નજીકની એપલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યાં હતાં.