અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં દરરોજ કોઈને કોઈ જગ્યાએ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના માધુપુરા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. માધુપુરા વિસ્તારમાં BRTS બસ સ્ટેન્ડ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. કારચાલકે 4 કારોને ટક્કર મારી હતી.અકસ્માત સર્જનાર કારચાલક ધવલ પટેલ સામે એલ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના માધુપુરા પાસે ગઈકાલે રાતના સમયે i10 કારના ચાલકે નશાની હાલતમાં અકસ્માત કર્યો હતો. કારે અકસ્માત દરમિયાન બે-ત્રણ વાહનને ઠોકી હતી, જોકે અકસ્માતમાં કોઈપણને ઇજા પહોંચી નહોતી, પરંતુ અકસ્માત થતા લોકો કારચાલક સામે રોષે ભરાયા હતા. લોકોના ટોળાથી બચવા કારચાલક કાર લઈને સફલ 6 બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો. એ બાદ લોકોનું ટોળું કારચાલકની પાછળ પાછળ દોડ્યું હતું. લોકોના ટોળાએ કારચાલકને બિલ્ડિંગમાં રોકીને કારને ચારે તરફથી ઘેરીને કાર પર લાકડીઓ વરસાવી હતી. લોકોએ કારમાં ખૂબ જ તોડફોડ કરી હતી. એ બાદ માધુપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ અંગે એલ ડિવિઝન ટ્રાફિક-પોલીસને જાણ થતાં તે સ્થળ પર પહોંચી હતી.કોઈ ફરિયાદી કારચાલક વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યા નથી. કારચાલક નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.પોલીસે નવા વાડજમાં રહેતા ધવલ પટેલ નામના કારચાલકનો કબજો મેળવીને કાર જપ્ત કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી છે.