અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવેલી આત્મિય વિદ્યા નિકેતન શાળા વિવાદમાં આવી છે. શાળા સંકુલમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાય રહેણાંક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના કારણે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શાળાને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. શૈક્ષણિક સંકુલના નિયમોના ભંગ બદલ આ પગલું લેવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ નિર્ણયનગર વિસ્તારમાં આવેલી આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલમાં તપાસ માટે પહોંચી હતી. જે દરમિયાન તપાસમાં સ્કૂલમાં એક હોલમાં ઉપયોગ આ મહિલા સાધ્વીઓના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.શૈક્ષણિક નિયમો અનુસાર, શાળા અથવા વિદ્યા સંકુલમાં કોઈપણ પ્રકારનું કાયમી રહેણાંક હોવું જોઈએ નહીં, કારણ કે તેનાથી શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડવાની સંભાવના રહે છે.
DEOની નોટિસમાં શાળા સંચાલકોને ત્વરિત પગલાં લેવા અને આ રહેણાંક પ્રવૃત્તિ બંધ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. સંચાલકોને તાત્કાલિક ધોરણે મહિલા સાધ્વીઓને સંકુલમાંથી અન્ય જગ્યાએ ખસેડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જો શાળા સંચાલકો દ્વારા આ સૂચનાનું ઝડપથી પાલન કરવામાં નહીં આવે, તો તેમની સામે દંડનીય કાર્યવાહી સહિતના કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. આ નોટિસના કારણે શાળા સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે.
આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલના ક્લાસરૂમ સાથે જ મહિલા સાધ્વીઓની રહેવાની વ્યવસ્થા કરવામાં આવતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો રજૂ કરવા માટે આદેશ કર્યો છે. કારણ કે નિયમ પ્રમાણે જ્યાં શૈક્ષણિક કાર્ય ચાલતું હોય ત્યાં અન્ય કોઈ પ્રવૃત્તિ ન ચલાવી શકાય.