અમદાવાદ : મહાત્મા ગાંધીજીની સાથે જોડાણ અને તેમના દ્વારા સાબરમતી નદીના કિનારે સ્થાપિત આશ્રમના કારણે અમદાવાદ વિશ્વ પ્રસિદ્ધ શહેર બનેલું છે. પશ્ચિમ રેલવેનું સાબરમતી રેલવે સ્ટેશન એ રાષ્ટ્રીય મહત્વની આ ઇમારતની નજીકનું રેલવે સ્ટેશન છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરિડોરના બધા રેલવે સ્ટેશન શહેરોની સંસ્કૃતિ, વારસો, ઈતિહાસ, વિશિષ્ટ ઓળખની અનોખી થીમ મુજબ બનાવવામાં આવી રહ્યા છે. તેમાં સાબરમતી હાઈસ્પીડ રેલવે સ્ટેશનને મહાત્મા ગાંધીના ચરખાની થીમ આધારિત બનાવવામાં આવશે.
રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારી મુજબ, બુલેટ ટ્રેન કોરિડોરની સાબરમતી રેલવે સ્ટેશન યોજનાનું એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.તેની ડિઝાઈન મહાત્મા ગાંધીના ચરખાથી પ્રેરિત છે, જે સાબરમતી આશ્રમની ઐતિહાસિક ઓળખને નમન કરે છે. નિર્માણાધીન સ્ટેશનનું માળખાગત કામ પુરું થઈ ગયું છે. તેની આંતરિક સજાવટ, વીજળી, યાંત્રિકીનું કામ ગતિમાં છે. આ ઉપરાંત સ્ટેશન પર યાત્રીઓ માટે વિશ્વસ્તરીય સુવિધા હશે, તેની વિશેષતા એ છે કે સ્ટેશન હાલના રેલવે, મેટ્રો અને બસ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમ નેટવર્ક સાથે સીધુ જોડાયેલું રહેશે. તેને આધુનિક મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે બનાવવામાં આવી રહ્યું છે.
આપણા રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ રૂપે, ભારતીય રેલવે દાંડી કૂચની થીમ પર સાબરમતી સ્ટેશનનો પુનઃવિકાસ કરી રહી છે. સ્ટેશનની ડિઝાઇનમાં ગાંધીજીના જીવન સાથે જોડાયેલાં વિવિધ પાસાઓ જેમ કે ચરખા અને ઐતિહાસિક દાંડી કૂચનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટેશનની ડિઝાઇનને એવી વાસ્તુકલાની સાથે બનાવવામાં આવી છે, જેનાથી સમગ્ર સ્ટેશન સંકુલની સુંદરતામાં વધારો થશે.
સુંદર અગ્રભાગ અને કલર સ્કીમની એકીકૃત થીમ દ્વારા વૃદ્ધિ સુનિશ્ચિત થશે અને એક સુખદ વાતાવરણ પ્રદાન કરવામાં આવશે. ભાવિ સ્ટેશનનું લઘુચિત્ર મોડેલ સાબરમતી સ્ટેશન પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોને સ્ટેશનના ભાવિ સ્વરૂપની માહિતી અને અનુભવ મળી શકે છે.
મહારાષ્ટ્ર-ગુજરાત જોડાશેઃ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરિડોર (508 કિલોમીટર) પર વિશ્વસ્તરીય સુવિધાઓથી સજજ કુલ 12 રેલવે સ્ટેશન હશે. આ કોરિડોર બે રાજયો મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડશે.
કયા સ્ટેશન પર કેવી હશે સજાવટ
* સાબરમતીઃ મહાત્મા ગાંધીનો ચરખો અને ઐતિહાસિક દાંડી માર્ચ
* અમદાવાદઃ સીદી સૈયદ મસ્જિદની જાળીઓથી પ્રેરિત
* સુરતઃ હીરાના કટ અને ચમકની થીમ પર ડિઝાઈન
* વડોદરાઃ દૂધ ઉદ્યોગ સાથે જોડાયેલી ઓળખને દર્શાવવામાં આવશે.
* આણંદ-નડિયાદઃ સહકારિતા-દૂધ ક્રાંતિ, કૃષિ અને સહકારિતા મોડલ દર્શાવવામાં આવશે.
* બિલિમોરાઃ કેરીના બગીચાઓની થીમ પર ડિઝાઈન
* બોઈસરઃ કોંકણી સમુદાયની જીવન શૈલીને દર્શાવતી માછલી પકડવાની જાળોથી પ્રેરિત
* વિરારઃ પહાડી ક્ષેત્રમાં સ્થિત હોવાથી પ્રકૃતિથી પ્રેરિત વાસ્તુ કલાનો ઉપયોગ
* થાણેઃ થાણે સ્ટેશનની છતની ડિઝાઈન ઉલ્હાસ નદીની કોમળ લહેરોથી પ્રેરિત છે.
* મુંબઈ (બીકેસી)ઃ અરબસાગરની લહેરોથી પ્રેરિત.