જુનાગઢ : જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ-સંતો ઉતારા મંડળ અને સામાજિક સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિક્રમા ના આયોજનને લઈને સાધુ-સંતો તેમજ અગ્રણીઓ દ્વારા જુદા જુદા સૂચનો કરવામાં આવ્યા છે.
જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આજે વહીવટી તંત્રના તમામ વિભાગો, ભવનાથ ક્ષેત્રના સાધુ-સંતો અને રાજકીય તેમજ સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ચાર દિવસીય પરિક્રમામાં શ્રદ્ધાળુઓને પૂરતી સુખ-સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
આ બેઠકમાં પરિક્રમાના આયોજન અંગે જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા તમામ ઉપસ્થિતો પાસેથી વિવિધ સૂચનો લેવામાં આવ્યા હતા. અને વહીવટી તંત્ર દ્વારા દરેક વિભાગને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. વન વિભાગને તાત્કાલિક અસરથી ગિરનાર રૂટ પરના રસ્તાઓનું સમારકામ કરવા જણાવવામાં આવ્યું હતું, જ્યારે જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા પરિક્રમાર્થીઓની સુરક્ષા માટે યોગ્ય બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવા ચર્ચા કરવામાં આવી હતી.
પરિક્રમામાં આવતા લાખો લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગને પૂરતા પ્રમાણમાં ડોકટરો, દવાઓનો જથ્થો અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. પાણી પુરવઠા વિભાગને પણ પરિક્રમા રૂટ પર શ્રદ્ધાળુઓને પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પૂરતા પાણીના પોઇન્ટ્સ ઊભા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આકસ્મિક ઘટનાઓનો સામનો કરવા માટે ફાયર વિભાગને પણ આયોજનબદ્ધ કામગીરી કરવા તાકીદ કરવામાં આવી છે
શહેરના રસ્તાઓનું સમારકામ વહેલી તકે થાય તે માટે જૂનાગઢ મહાનગરપાલિકાને પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, પરિક્રમાર્થીઓની સુવિધા માટે જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા 30 જેટલી વધારાની મીની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.ભવનાથના સંત ઇન્દ્રભારતી બાપુએ આ બેઠક બાદ ખાસ કરીને પરિક્રમાર્થીઓને અપીલ કરી હતી કે ચાર દિવસની પરિક્રમા આગામી 2 નવેમ્બરથી જ શરૂ થવાની છે, તેથી ભાવિકો 2 નવેમ્બરે જ પરિક્રમા શરૂ કરે અને અગાઉથી આવીને ભીડ ન કરે.
વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે ગિરનાર ક્ષેત્રમાં ઇકોઝોન લાગુ હોવાથી પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણની જાળવણી માટે પરિક્રમામાં પ્લાસ્ટિક સાથે ન લાવવા વિનંતી કરાઈ છે. સાથે જ, ગીરનાર જંગલી વિસ્તાર હોવાથી કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે ભાવિકોને જાહેર કરાયેલા રૂટ પર જ પરિક્રમા કરવા ખાસ વિનંતી કરવામાં આવી છે. જૂનાગઢ વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ભાવિકોને પૂર્તિ સુખ-સુવિધા અને સલામતી પૂરી પાડવાનો છે.


