ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. અને જેના કારણે કોઈની દિવાળી સુધરી ગઈ છે તો કોઈની દિવાળી બગડી ગઈ છે. ત્યારે હવે ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં ઘણા સરપ્રાઈઝ સામે આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 17 ઓક્ટોબરને શુક્રવારે 11:30 કલાકે શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે.નવા મંત્રીમંડળમાં CM સહિત 8 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે. જેમાં 3 મહિલા પણ શપથ લેશે.રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે. તો નવા મંત્રીઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી.ઘણા એવા ચહેરાઓને ભાજપે હવે મેદાને ઉતાર્યા છે જેમના નામની ક્યાંય ચર્ચાઓ હતી નહિ. આ સાથે જ મંત્રીમંડળના ગઠનમાં ઘણા નેતાઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.
આ શપથ વિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં મંચની ડાબી તરફ સાધુ સંતો અને આમંત્રિતો માટે સ્ટેજ અલગ રાખવામાં આવ્યું છે. જયારે શપથ વિધિ કાર્યક્રમ ઝડપથી પૂર્ણ તે માટે એક સાથે 10 મંત્રીઓ શપથ લઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. જયારે મુખ્ય મંચ પર વચ્ચે રાજ્યપાલ અને મુખ્યમંત્રી બેસશે. જયારે રાજ્યપાલની બંને તરફ પદનામિત મંત્રીઓની બે હરોળમાં બેઠક વ્યવસ્થા રહેશે.


