અમદાવાદ :ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શપથ બાદ સૌથી પહેલી જ લોકોને એક ખાસ અપીલ કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઇ ચુક્યું છે. તમામ મંત્રીઓને શુભકામનાઓ સાથે નવા ઉર્જા અને ઉત્સાહ સાથે આગળ વધવાનું છે. નવામંત્રીઓની નિયુક્તિ થઇ છે ત્યારે મારે તમામ નાગરિકોને એક અપીલ છે કે, બેનરો છપાવીને શુભકામનાઓ અને અભિનંદન પાઠવવા માટે અપીલ કરી છે.
હર્ષ સંઘવીએ ટવિટ(X) કરીને જણાવ્યું કે, “મારી સૌને કરબદ્ધ નમ્ર વિનંતી 🙏🏻ગુજરાતના નાગરિકો તથા કાર્યકર્તા મિત્રોએ આપેલો પ્રેમ, પ્રસન્નતા અને આદર હૃદયપૂર્વક સ્વીકારું છું અને તેના માટે નતમસ્તક છું. પરંતુ મારી આપ સૌને નમ્ર અપીલ છે કે અભિનંદન અને શુભકામનાઓના હોર્ડિંગ્સ અથવા બેનર લગાવવાને બદલે, આપણી ખુશીઓ સામાજિક સેવાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો સાથે વહેંચીએ અને તેમના જીવનમાં પણ પ્રકાશ ફેલાવીએ.”
મારી સૌને કરબદ્ધ નમ્ર વિનંતી 🙏🏻
ગુજરાતના નાગરિકો તથા કાર્યકર્તા મિત્રોએ આપેલો પ્રેમ, પ્રસન્નતા અને આદર હૃદયપૂર્વક સ્વીકારું છું અને તેના માટે નતમસ્તક છું.
પરંતુ મારી આપ સૌને નમ્ર અપીલ છે કે અભિનંદન અને શુભકામનાઓના હોર્ડિંગ્સ અથવા બેનર લગાવવાને બદલે, આપણી ખુશીઓ સામાજિક સેવાઓ…
— Harsh Sanghavi (@sanghaviharsh) October 17, 2025
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓને હોદ્દા અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓની શપથવિધિ સંપન્ન થઇ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા નવા વરાયેલા મંત્રીઓમાં 5 કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર)ના 3 મંત્રીઓ અને રાજ્યકક્ષાના 12 મંત્રીઓનો સમાવેશ થાય છે. જ્યારે કેબિનેટ મંત્રી કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળીયા તથા રાજ્ય કક્ષાના પરષોત્તમ સોલંકીને વર્તમાન મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યા છે.
આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ સમક્ષ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 5 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં 3 તથા રાજ્ય કક્ષાના 12 પદનામિત મંત્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધાં હતાં. કેબિનેટ મંત્રી તરીકે જીતેન્દ્ર વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકીએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા. રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) ધરાવતા મંત્રી તરીકે ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરીયા તથા મનિષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં.


