અમદાવાદ : અમદાવાદમાં દિવાળીના તહેવાર નિમિત્તે હવાલા અને બિનહિસાબી નાણાંની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે અમદાવાદ પોલીસે કડક પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન દરમિયાન રામોલ પોલીસને મોટી સફળતા મળી છે.પોલીસની તપાસ દરમિયાન યુપીના સમશેરબહાદુર ઉર્ફે વિનય સિંહની પાસેથી એક કરોડ બે લાખની રોકડ મળી આવતા ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રામોલ પોલીસ રામોલમાં સીટીએમ એક્સપ્રેસ હાઈવે ટોલટેક્ષ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી.દરમિયાન વડોદરા તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાંથી ઉતરેલા શંકાસ્પદ શખ્સ સમશેરબહાદુર ઉર્ફે વિનય સિંહની તપાસ કરી હતી. જેમાં તેની પાસેથી બિનહિસાબી રૂ.1,02,00,000 મળી આવ્યા હતા.જે બાદ પોલીસે આરોપી પાસેથી રોકડ રકમના આધાર પુરાવા માંગતા એક કરોડ બે લાખ રૂપિયાનો કોઈ હિસાબ મળી આવ્યો નહતો. જેથી પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સમશેરબહાદુર ઉર્ફે વિનય સિંહ નામ હોવાનું અને ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
તેની પાસે આ રોકડ રકમના પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા તે આપી શક્યો ન હતો. જેને લઈને પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે રામોલ પોલીસે તુરંત જ આવકવેરા વિભાગને જાણ કરી હતી, જે હવે આ રોકડ રકમ અને તેના મૂળ સ્ત્રોત અંગે વધુ તપાસ હાથ ધરશે. તપાસમાં આરોપી મુળ ઉત્તેરપ્રદેશનો રહેવાસી અને અમદાવાદમાં મોટેરામાં આશારામ આશ્રમમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રામોલ પોલીસે તાજેતરમાં જ CTM એક્સપ્રેસ હાઇવે પરથી આ પ્રકારની બિનહિસાબી રોકડ જપ્ત કરવાની બીજી મોટી કાર્યવાહી કરી છે. અગાઉ પણ પોલીસે આજ વિસ્તારમાંથી ₹ 50 લાખની રોકડ રકમ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.


