અમદાવાદ : ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળના મંત્રીઓ દ્વારા દિવાળીના તહેવાર બાદ પોતાના મંત્રી પદ તરીકેનો હોદ્દો અને કાર્યભાર સંભાળવાની શરૂઆત કરી દીધી છે. રવિવારે લાભ પાંચમના શુભ દિવસે કેટલાક મંત્રીઓ એ કાર્યાલયની પૂજા કરી હતી. મંત્રી દર્શનાબેન વાઘેલાએ પચરંગી કલરનો સાફો પહેરી સનરૂફ હેરિયરમાં શાહીબાગ વિસ્તારમાં ફરી ગાંધીનગર જવા માટે રવાના થયાં હતા. આ દરમિયાન તેમની સાથે ડીજે સાથે 50 ગાડીઓના કાફલો પણ નીકળ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, સવારે 10 વાગ્યે જન સંપર્ક કાર્યાલય પર મોટી સંખ્યામાં અસારવા વિધાનસભાના કાર્યકર્તાઓ મંત્રીને શુભેચ્છા પાઠવવા માટે અને તેમની સાથે રેલી સ્વરૂપે જવા માટે પહોંચ્યા હતા. દર્શનાબેન વાઘેલાએ ગાંધીનગર ખાતે મંત્રી તરીકેનો ચાર્જ સંભાળતા પહેલા તેઓ જનસંપર્ક કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.ત્યાર બાદ ત્યાંથી શાહીબાગ વિસ્તારમાં આવેલા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. પુષ્પાંજલિ કર્યા બાદ તેઓ જન સંપર્ક કાર્યાલયથી ગાંધીનગર જવા રવાના થયા હતા.દર્શના વાઘેલાએ અમદાવાદમાં વરસાદમાં સાફા સાથે રેલી યોજી હતી.આ દરમિયાન તેઓ સનરૂફ વાળી હેરિયરમાં જોવા મળ્યા હતા.
કારના કાફલા સાથે વટ પાડી દીધો અસારવા વિધાનસભામાં છેલ્લા ચાર ટર્મ થી જે ધારાસભ્ય બને છે તેને મંત્રી પદ મળે છે, ત્યારે જોરદાર વટ પડી જાય તેવી રીતે મોટા રેલીના કાફલા સ્વરૂપે ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને સતત ચાલુ વરસાદની વચ્ચે પણ તેઓ સનરૂફ વાળી ગાડીમાં બેઠા હતા.


