અમદાવાદ : શહેરમાં સગીર કાર ચાલકે ફરીથી અકસ્માત સર્જ્યો છે. નોબલ નગર વિસ્તારમાં સગીર કાર ચાલકે ત્રણ વર્ષની બાળકીને અડફેટે લઈ લીધી હતી. જોકે, આ નાનકડી બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે જોઈને કોઈ પણ માણસ ધ્રુજી જાય તેવા છે. બેદરકારીથી ફોર વ્હીલર ચલાવતા સગીર પર ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે, આ કાર પર નંબર પ્લેટ પણ નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નોબલનગરમાં આવેલા શિવ બંગલોમાં ત્રણ વર્ષની બાળકી બંગલાના કોમન પ્લોટમાં રમી રહી હતી. આ દરમિયાન એક સગીર ગાડી લઈને આવ્યો હતો, જેણે જોયા વિના જ કોમન પ્લોટમાં રમી રહેલી બાળકી ઉપર ગાડી ચઢાવી દીધી હતી. બાળકી ઉપર ગાડી ચઢતાં આસપાસના લોકોને જાણ થઈ ત્યારે બૂમાબૂમ કરતાં સગીરે ગાડી રોકી દીધી હતી.બાળકી ગાડી નીચે આવી ગઈ, ગાડી ઊભી રહેતાં નીચેથી બહાર આવી દોડવા લાગીઆ બનાવમાં બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો.
ઘટના બનતા જ બાળકીના માતા-પિતા અને આસપાસના લોકો ભેગા થઈ ગયા. બાળકીની માતાએ સગીરને મેથી પાક ચખાડ્યો પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી. સમગ્ર મામલે જી ટ્રાફિક ડિવિઝનની ટીમે આ બાબતે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે કાયદાના સંઘર્ષ હેઠળ આવેલ કિશોર તથા કારના માલિક મલેક ફરજાના બાનુ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


