અમદાવાદ : અમદાવાદમાં લાભપાંચમથી ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્નેહમિલન સમારોહનું યોજાઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં એલિસબ્રિજના વિધાનસભાના આયોજિત સ્નેહમિલન સમારોહમાં અમદાવાદના શહેરીજનોને ટકોર કરતાં ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે, ગરીબ વસ્તીમાં વસતા લોકો કરતા સોસાયટીમાં રહેતા લોકો આયુષ્યમાન કાર્ડ ધરાવવામાં નીરસતા દાખવી રહ્યા છે. કેમકે સોસાયટીના લોકો જ્યારે જરૂર પડે છે ત્યારે આયુષ્યમાન કઢાવવા માટે દોડધામ કરે છે, અથવા તો હોસ્પિટલમાં દાખલ થવાનું હોય ત્યારે મારી પાસે કાર્ડ કઢાવવા માટે આવે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, તાજેતરમાં એલિસબ્રિજના વિધાનસભાના વાસણા વોર્ડ દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્ય અમિત શાહે શહેરીજનોને ટકોર કરતાં કહ્યું કે, તમે કંઈ કરોડપતિ છો કે આયુષ્યમાન કઢાવતા નથી? જ્યારે બીમારી આવે છે ત્યારે કેમ દોડો છો? શું બીમારી પહેલા સજાગ બનીને આયુષ્યમાન કઢાવતા હોય? આવું એટલા માટે કહેવું પડે છે કે ગરીબ વસ્તીના લોકો પાસે આયુષ્યમાન કાર્ડ કઢાવી લેશે. પરંતુ જ્યારે સોસાયટીમાં ભણેલા લોકો જરૂર પડે ત્યારે જ દોડધામ કરે છે. આમ આયુષ્યમાન યોજના અંતર્ગત કાર્ડ માટે ધારાસભ્ય દ્વારા ટકોર કરવામાં આવી હતી.અમદાવાદમાં ઘણા બધા નાગરિકોએ આ આયુષ્યમાન કઢાવ્યું નથી, જે અંગે લોકોની નીરસતા જોઈ ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે દુઃખ વ્યક્ત કરીને આયુષ્યમાન યોજના લાભાર્થી લાભ માટે આગળ આવે તે માટેની ટકોર કરી છે. આમ એક ધારાસભ્ય દ્વારા શહેરીજનોની એક પ્રકારે ચિંતા કરવામાં આવી છે.
ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન અંગે આયુષ્યમાન ભારત યોજના કાર્યરત છે. આ આયુષ્યમાન ભારત યોજનાનું સંચાલન કરીને દેશવાસીઓને નેશનલ હેલ્થ યોજના પૂરી પાડે છે. આ આયુષ્યમાન ભારત યોજનામાં દેશના નાગરિકો માટે પાંચ લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય વીમા કવચ પૂરું પાડે છે. જોકે જે લોકો પાસે આ આયુષ્યમાન કાર્ડ હોય તે વ્યક્તિ જ નિ:શુલ્ક મોંઘી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે છે, છતાં પણ આ યોજનામાં અમદાવાદ શહેરમાં સ્થાનિકોની નીરસતા અંગે ભાજપના ધારાસભ્ય દ્વારા ટકોર કરવામાં આવી છે.


