અમદાવાદ: શહેરમાં ક્રાઇમબ્રાન્ચે દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટનાનો પર્દાફાશ કર્યો છે. ફતેવાડી વિસ્તારમાં એક મકાનના રસોડામાંથી કંકાલ શોધી કાઢીને એકાદ વર્ષ પહેલાં થયેલ હત્યાના ગુના પરથી પરદો ઊંચક્યો છે. શહેરના ફતેવાડી વિસ્તારમાં આવેલ મકાનમાંથી યુવકનું કંકાલ મળી આવતા હવે ક્રાઇમબ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. ક્રાઇમબ્રાન્ચની તપાસમાં મૃતક યુવકની પત્નીએ જ પ્રેમી સાથે મળીને મૃતદેહ દાટી દીધો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ કોઈને જાણ ના થાય તે માટે તેના પર નવી ટાઇલ્સ પણ લગાવી દીધી હતી. જો કે આ મામલે ક્રાઇમબ્રાન્ચે મહિલા સહિત બે લોકોની પૂછપરછ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પૂરૂષનું કંકાલ મળી આવતા ક્રાઇમ બ્રાંચે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન મૃતકની પત્નીએ જ પ્રેમી અને અન્ય લોકો સાથે મળીને હત્યા કરીને રસોડામાં મૃતદેહ દાટીને ચણતર કરાવી દીધુ હોવાનું સામે આવ્યુ છે. પોલીસે સમગ્ર મામલે શંકાસ્પદ લોકોની અટકાયત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચના ઇન્સપેક્ટર એસ. જે. જાડેજા અને તેમની ટીમે દૃશ્યમ ફિલ્મ જેવી જ એક વર્ષથી ગુમ થયેલા યુવકની હત્યાનો ભેદ ઉકલી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ, ફતેવાડીમાં આવેલા અહેમદી રો-હાઉસમાં રહેતા સમીર બિહારીના ગુમ થવા બાબતે તેની પત્નીના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. સમીરની પત્ની તેનો પતિ ઝગડો કરીને જતો રહ્યો તેવું જુઠ્ઠાણુ ચલાવતી હતી.
ક્રાઇમબ્રાન્ચની પૂછપરછમાં સમીરની પત્ની રૂબિ પડી ભાંગી હતી. તેણે કબૂલાત કરી કે તે થોડા સમય પહેલાં પતિ સમીર બિહારી અને બાળકો સાથે રહેતી હતી. રૂબિને એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ સમીર વિરોધ કરતો હતો. જેના કારણે બંનેએ તેની હત્યા કરવાની યોજના બનાવી હતી. આશરે એકાદ વર્ષ પહેલાં સમીરની હત્યા કરીને લાશ જમીનમાં દાટીને ત્યાં ચણતર કરાવી દીધું હતું. ઘટનાના કેટલાક દિવસો બાદ મકાન પણ બદલી નાખ્યું હતું. જ્યારે મૃતક બાબતે કોઈ પૂછે ત્યારે તે કામથી બહાર ગયા છે કે દુબઈ ગયા છે તેવા બહાના બતાવીને વાત ટાળી દેતા હતા.
આટલા સમયથી કોઈને જાણ થઈ ન હતી. જોકે પોલીસે એફએસએલ અને ડીએનએ પ્રોફાઇલિંગ માટેની તજવીજ હાથ ધરી છે. હાલમાં ક્રાઇમબ્રાન્ચે બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન હત્યા કેસમાં આ સિવાય અન્ય કોઈ સામેલ છે કે કેમ તેમજ અન્ય ખુલાસા પણ થઈ શકે છે.


