અમદાવાદ : અમદાવાદ શહેર હવે ઓલિમ્પિક સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રમતવીરો પ્રેક્ટિસ કરી શકે તેના માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. શહેરના નારણપુરા બાદ પૂર્વમાં વસ્ત્રાલ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર 44,764 ચોરસ મીટર જગ્યામાં નવું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. પૂર્વ વિસ્તારમાં આધુનિક સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આગામી ડિસેમ્બર માસમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બનાવાયેલ પૂર્વ અમદાવાદને ડિસેમ્બર સુધીમાં મળશે રૂ. 51 કરોડના ખર્ચે તૈયાર થયેલું ‘વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, 2021માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોકાર્પણ કરાશે.આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં માત્ર ઇન્ડોર ગેમ્સ જ નહીં પરંતુ આઉટડોર ગેમ્સ, લાઇબ્રેરી, જિમ અને કાફેટેરિયા સહિતની સુવિધાઓ છે. બે માળના આ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ, લાઇબ્રેરી, જીમ કાફેટેરિયા જેવી સુવિધાઓ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 51 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ચલાવવા માટે આગામી દિવસોમાં તેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. જે બાદ આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જેટલી પણ રમતો રમી શકાશે તેની કોચિંગની સુવિધા સાથેની ફીના દર પણ નક્કી કરવામાં આવશે.શહેરના રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈ આપતું આ અદ્યતન કોમ્પલેક્સ પૂર્વ ભાગને નવી ઓળખ પણ આપશે.



