અમદાવાદ : અમદાવાદ શહેરમાં પોતાની માલિકીનું ઘર હોય તેવા સ્વપ્ન દરેક શહેરીજન જોવે છે, પરંતુ આ સપનું પુરુ કરવાનાં ચક્કરમાં અનેક લોકો ઠગાઈનો શિકાર બને છે, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અનેક લોકોને GHBના સરકારી મકાન અપાવવાની લાલચ આપી ઠગ દંપતીએ લાખો રૂપિયા પડાવ્યા અને બાદમાં ફરાર થઈ ગયા, જોકે આ કેસમાં પોલીસે બંટી બબલીની ધરપકડ કરી છે, બંટી બબલીએ કુલ 10 જેટલા લોકો પાસેથી 21.80 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જેથી વેજલપુર પોલીસે ફરિયાદના આધારે ઠગ દંપતિ અનવર અને શાહીનબાનુંની ધરપકડ કરી છે. તેમજ પોલીસે ઠગ દંપતિના બે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વેજલપુર પોલીસની કસ્ટડીમાં દેખાતા આ આરોપીઓના નામ શાઈનબાનુ સિપાઈ અને અનવર સિપાઈ છે, આ બન્ને પતિ પત્નીએ ભેગા મળીને જુહાપુરામાં અંબર ટાવરની પાછળ નવા બનતા હાઉસિંગ (GHB)ના મકાનો સસ્તામાં અપાવાની લાલચ આપી અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ફરિયાદ નોંધાઈ હતી, જોકે નાસ્તા ફરતા આ બંટી બબલી હવે પોલીસનાં હાથે લાગ્યા છે. આરોપીઓએ ફરિયાદી સહિત કુલ 10 લોકો પાસેથી 21.80 લાખ રૂપિયા મકાન અપાવાના નામે મેળવી લીધા હતા અને બાદમાં ભાગી ગયા હતા. જોકે આ આરોપીઓ સાથે ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓ હજુ પણ ફરાર છે.
આરોપી દંપતીની વેજલપુર પોલીસે ધરપકડ કરીને પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપીએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઓળખાણ હોવાનુ કહીને લોકો સાથે ઠગાઈ કરી હતી. અને તેઓને ભરોસો અપાવા માટે રૂપિયા ભર્યાની નકલી પહોંચ આપી હતી. ફરિયાદીને આરોપીઓ પર ભરોસો આવતા બાદમાં અન્ય 9 લોકોએ પણ મકાન લેવા માટે આરોપીઓને 50 હજારથી લઈને 2-3 લાખ રૂપિયાની રકમ આપી હતી. અંતે મકાન ન મળતા ભોગ બનનારા શાઈનબાનુના ઘરે જઇને પૈસા માંગવા જતા ઘરે તાળું જોવા મળ્યું હતું. ફરિયાદીએ જ્યારે શાહીનબાનુંને ફોન કર્યો ત્યારે મકાન અને દુકાન આપવાના બદલે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ફરિયાદીને છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ શાહીનબાનું અને અનવર સામે ફરિયાદ નોંધી હતી.
આ મામલે વેજલપુર પોલીસે વધુ તપાસ માટે બંટી બબલીને કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે, તેવામાં આ આરોપીઓએ ભોગ બનનારાને આપેલી બનાવટી પહોંચ કોની પાસે બનાવડાવી અને હાઉસિંગમાં કે પછી કોર્પોરેશનમાં આરોપીઓનો કોઈ પરિચીત વ્યક્તિ છે કે તેમ તે તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ફરાર અન્ય બે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


