અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ તારીખથી બુક ફેર-ફૂડ ફેસ્ટિવલ યોજાશે. જેમાં 13 થી 16 નવેમ્બર સુધી ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ યોજાશે. જેમાં દેશ અને વિદેશના માસ્ટર શેફસના લાઈવ કૂકિંગ શો ઉપરાંત પુરીના જગન્નાથ મંદિરના ભોગ પ્રસાદ સાથેનુ પેવેલિયન આકર્ષણનુ કેન્દ્ર બનશે. ભારત ઉપરાંત નેપાળ, સ્પેન અને નેધરલેન્ડ સહિતના દેશો ભાગ લેશે.આ ઉપરાંત 13 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી બુક ફેર યોજાશે. આ વર્ષે આ મેળાને અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 તરીકે ઓળખવામાં આવશે, જેમાં 1000 થી વધુ પ્રકાશકોના પુસ્તકોનું વિશાળ પ્રદર્શન જોવા મળશે સાથે જ અનેક સાહિત્યિક કાર્યક્રમો પણ યોજાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં 13 નવેમ્બરથી ફૂડ ફેસ્ટિવલ અને બુક ફેરનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 7 દિવસ માટે બુક ફેર યોજાશે. જ્યારે 13થી 16 નવેમ્બર સુધી ત્રણ દિવસ ફૂડ ફેસ્ટિવલ યોજાશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદની વાંચન પ્રિય અને સાહિત્ય પ્રેમી જનતા બુક ફેરનો લાભ લઈ શકશે. 13 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી યોજાશે. લોકોમાં વાંચન અને સાહિત્ય પ્રત્યે રુચિ વધે અને પ્રેરણા મળે તેના માટે થઈને આ બુક ફેરી યોજાયો છે. બાળકો માટે મનોરંજનની પ્રવૃત્તિને લઈ અર્થી પાંચ સુધી અનેક પ્રવૃત્તિઓ થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાઉથ એશિયન એસોસિયેશનના સહયોગથી યોજાનારા ફૂડ ફેસ્ટિવલમાં ટેસ્ટ ઓફ લકઝરી તથા ધ રીજનલ ફલેવર એમ બે પ્રકારના થીમ ઉપર ફૂડ કોર્ટ તૈયાર કરવામા આવ્યા છે. રિજનલ ફલેવરમાં ફલેવર્સ ફૂડને સ્ટ્રીટ ફૂડ શૈલીમાં રજૂ કરવામા આવશે. ફેસ્ટિવલમાં ત્રણ અનોખા પેવેલિયન તૈયાર કરવામા આવશે. લકઝરી પેવેલિયનમાં પ્રતિષ્ઠીત હોટલો દ્વારા વાનગી પીરસવામા આવશે.
ફૂડ ફેસ્ટિવલમાં સ્પિરીચ્યુઅલ પેવેલિયનમા પુરીના જગન્નાથ મંદિરમાંથી આપવામા આવતા ભોગ પ્રસાદ સાથે આધ્યાત્મિક અનુભૂતિ થશે. કોફી પેવેલિયનમાં લાઈવ કોફી, રોસ્ટીંગ બુ્રઈંગ અને વર્કશોપ સાથે માહીતીની આપ લે કરવામા આવશે. ફેસ્ટિવલમાં જાણીતી સેલિબ્રિટીઝ, ફૂડ ક્રીટીક અને લેખિકા રશ્મિ ઉદય સિંઘ, શેફ અભિજિત સાહા, ગૌતમ મહર્ષિ, નેપાળના લેખિકા રોહીણી રાણા, પદ્મશ્રી ડોકટર પુષ્પેશ પંત હાજર રહેશે.
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 માં બપોરના સમયે બાળકો માટે કિડ્સ રિલેટેડ પ્રવૃત્તિઓ રાખવામાં આવી છે, જ્યારે રાત્રે સાહિત્ય ક્ષેત્રના પ્રખ્યાત વ્યક્તિઓનાં પ્રવચનો, કવી સંમેલનો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પ્રકાશકો પણ આ બુક ફેરમાં સક્રિય રીતે ભાગ લેશે. પુસ્તક રસિકો અને સાહિત્ય પ્રેમીઓ માટે બુક ફેસ્ટિવલની સાથે લેખન મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાનગંગા રંગમાં અભિક કલ્પસાહિત્ય જેવા વિવિધ આકર્ષણો પણ રહેશે.
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 માં અનેક રાષ્ટ્રીય ખ્યાતનામ વક્તાઓ ઉપસ્થિત રહેશે, જેમાં લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ઢિલ્લોન, કે. વિજય કુમાર (નિવૃત્ત આઈપીએસ) તેમજ સ્વપ્નિલ પાંડે હાજર રહેશે. તે ઉપરાંત મોરારી બાપુ, તુષાર શુક્લ, ભાગ્યેશ ઝા અને જગદીશ ત્રિવેદી જેવા વક્તાઓ સાહિત્ય અને આધ્યાત્મિકતાના સંગમ પર પોતાના વિચારો વ્યક્ત કરશે. જાણીતા ગાયક કિર્તીદાન ગઢવી લોકગીતો અને સાહિત્ય પર જીવંત પ્રદર્શન કરશે. વિચાર મંથન અંતર્ગત સ્વદેશી અને આત્મનિર્ભરતા વિષય પર વિવિધ વ્યાખ્યાનો યોજાશે. આ ફેસ્ટિવલમાં તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિશુલ્ક રહેશે.


