અમદાવાદ : અમદાવાદના વાડજમાં પાન પાર્લર ચલાવતા આધેડને એક શખ્સે PAYTMના કર્મચારીની ઓળખ આપીને લોનનો હપ્તો ઓછો કરાવવાનું કહીને આધેડનો મોબાઈલ લઈને તેમની જાણ બહાર તેમના ફોનમાંથી અલગ-અલગ ટ્રાન્જેક્શનથી 93 હાજર બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ અંગે આધેડે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના જૂના વાડજમાં રહેતા હસમુખભાઈ વાઘેલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તેમના ઘરની નીચે પાન પાર્લર ચલાવે છે. 20 ઓગસ્ટના રોજ બપોરના સમયે તેમના ગલ્લા પર એક અજાણ્યો વ્યક્તિ બાઇક લઈને આવ્યો હતો. જેણે પોતાની ઓળખ PAYTM ના કર્મચારી તરીકેની આપી હતી. અજાણ્યા વ્યક્તિએ તેમને કહ્યું હતું કે તે ચેક કરવા આવ્યો છે કે તેમની PAYTM બરાબર ચાલે છે, લોનના હપ્તા રેગ્યુલર ચાલે છે કે કેમ. અજાણ્યા વ્યક્તિએ લોનની વિગત પૂછી હતી.
બાદમાં હસમુખભાઈને કહ્યું હતું કે તમારે લોનનો હપ્તો ઓછો કરાવો છે તેથી હસમુખભાઈ હા પાડતા અજાણ્યા વ્યક્તિએ તેમને તેમના જ સ્કેનરમાં એક રૂપિયો ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. હસમુખભાઈએ એક રૂપિયો ટ્રાન્સફર કર્યા બાદ અજાણ્યા વ્યક્તિએ હસમુખભાઈનો મોબાઈલ માંગ્યો હતો. હસમુખભાઈનો મોબાઇલ લઈને થોડીવાર મોબાઇલમાં PAYTM એપ્લિકેશન ખુલ્લી રાખી હતી.
બાદમાં હસમુખભાઈના ગ્રાહક આવતા અજાણ્યા વ્યક્તિએ હસમુખભાઈની નજર ચૂકવીને 48000 અને 45000 એમ બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી 93 હજાર રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. પૈસા ટ્રાન્સફર કર્યા બાદ ત્યાંથી લોનના હપ્તા ઓછા થઈ જશે તેવું કહીને અજાણ્યો વ્યક્તિ નીકળી ગયો હતો.


