અમદાવાદ : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે “અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025” તથા “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025”ભવ્ય શુભારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC અને નેશનલ બુક ટ્રસ્ટ, ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નું 13થી 25 નવેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. AMC સંચાલિત શેઠ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય દ્વારા પુસ્તકાલયના સભાસદોની સંખ્યામાં વધારો થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલના પ્રારંભથી 12 ડિસેમ્બર સુધી આજીવન સભ્યપદ ફીમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શેઠ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયની આજીવન સભ્ય ફી 3000 રૂપિયા છે જેની જગ્યાએ જો આ એક મહિનામાં સભ્યપદ માટે અરજી કરશે તો 1500 રૂપિયામાં તેઓને આજીવન સભ્યપદ મળશે. મુલાકાતીઓને સભ્યપદ મેળવવામાં સરળતા રહે તે માટે માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય તરફથી સ્થળ પર હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં લોકો પુસ્તકાલયમાં ઉપલબ્ધ સાહિત્ય સંગ્રહ અને સેવાઓથી વાકેફ થાય તે માટે તેની વિગત દર્શાવતા સ્ટેન્ડી મૂકવામાં આવેલી છે. નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય ઈ-પુસ્તકાલય વેબસાઈટ ઉપર 23 ભાષાના 5000 કરતાં વધુ ઈ-બુક્સ ઉપલબ્ધ છે. જેની લિંક પુસ્તકાલયની વેબસાઈટ પર મૂકવામાં આવેલી હોવાથી પુસ્તકાલયના સભાસદો પણ તેનો લાભ લઈ શકશે. પુસ્તકાલયમાં આવતા વાચકો બહોળા પ્રમાણમાં પુસ્તક મેળાનો લાભ લે તે માટે બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આજની ભાગદોડવાળી જીંદગીમાં લોકોનું વાંચન ઘટ્યું છે. લોકો પુસ્તકને બદલે ઓનલાઈન વાંચન કરતા થયા છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાના અતિરેકને કારણે વાચકોની સંખ્યામાં આંશિક ઘટાડો થતો જોવા મળે છે. આજના યુવાનોમાં વાંચનથી રાષ્ટ્ર ગૌરવ, આત્મનિર્ભરતા, નૈતિકતા અને સંસ્કૃતિ સિંચનના મૂલ્યો સંવર્ધિત થાય તે માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ-2010માં ‘વાંચે ગુજરાત’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલા ‘ગ્રંથાલય સંવાદ’ કાર્યક્રમમાં વાચકોની સંખ્યામાં 30 ટકા વધારો થાય તેવું સૂચન કરેલું હતું.


