અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં અમરાઈવાડી વિસ્તારમાં એક દુર્ઘટના ઘટી છે. જ્યાં જર્જરિત ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી થતાં નાસભાગ મચી છે. સંત વિનોબાનગરના બ્લોક નંબર 17ની ઘટના છે. ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં ત્રણ લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવતાં બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. 10 થી 15 લોકો ક્વાર્ટર્સમાં ઘરમાં ફસાયેલા હોવાના પગલે ફાયરની ટીમ દ્વારા તેઓને ફાયર વિભાગની સીડી વડે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. વર્ષો જુના જર્જરીત મકાન હતા જેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી છતાં પણ નાગરિકો તેમાં રહેતા હતાં.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આશરે 40 વર્ષ જુના સંત વિનોબાનગર પાસેના સુખરામનગર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ ક્વાર્ટર્સ આવેલા છે. જેમાં આજે 13 નવેમ્બરના રોજ સાંજના સમયે બ્લોક નંબર 17ની ગેલેરી ધરાશાયી થઈ હતી.જેમાં નીચે ઉભેલા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં સ્થાનિક લોકો દ્વારા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગેલેરીનો ભાગ તૂટી પડવાના કારણે કેટલાક લોકો ઘરમાં ફસાઈ ગયા હતા. ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
બ્લોક નંબર 17ના 8 મકાનના આશરે 10થી 15 લોકો ફસાયેલા હતા જેના કારણે તેઓને રેસ્ક્યુ કરવા માટે ફાયરબ્રિગેડની સીડીઓનો ઉપયોગ કરવો પડ્યો હતો. તમામ લોકોને રેસક્યું કરી બહાર કાઢવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ ક્વાર્ટર્સમાં ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ તેઓ રહેતા હતાં.
આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શી હર્ષદ પટેલે જણાવ્યું કે, અમરાઈવાડીમાં 40 વર્ષ જૂના ક્વાર્ટ્સની ગેલેરી ધરાશાયી થઈ છે. આ ક્વાર્ટ્સ રિડેવલપમેન્ટમાં ગયા છે, છતાં કેટલાક લોકો અહીં વરસાટ કરી રહ્યા છે. આ દરમિયાન આજે ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની છે.17 નંબરના બ્લોકનો ગેલેરીનો ભાગ ધડાકા સાથે ધરાશાયી થતાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લોકમાં રહેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી.


