અમદાવાદ : અમદાવાદના વિવાદિત અને ભ્રષ્ટાચારનું પ્રતીક બની ગયેલા હાટકેશ્વર બ્રિજ મામલે મોટા સમાચાર આવ્યા છે. શહેરમાં ભ્રષ્ટાચારનું પ્રતીક બની ગયેલા હાટકેશ્વર બ્રિજને મોડે મોડે તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ હતી, ત્યાં જ AMC ના નવા ફરમાનથી શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. બ્રિજ તોડવાની કામગીરી 35% પૂર્ણ થયા બાદ આખો બ્રિજ તોડી ત્યાં નવો બ્રિજ બનાવવાને બદલે AMC ત્યાં રોડ બનાવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં અમદાવાદ શહેરના વિવિધ કામોને લઈને ચર્ચા થઈ હતી. તેમજ તેમજ વિવિધ કામોને મંજૂરી અપાઈ હતી. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ વિવાદિત હાટકેશ્વર બ્રિજને લઈને નવો નિર્ણય આ બેઠકમાં લેવાયો છે. હાટકેશ્વર બ્રિજના સ્થળે ફરી કોઈ બ્રિજ નહીં બને. આમ પ્રજાના ટેક્સના પૈસે કરોડો રૂપિયાનું આંધણ કરાયા બાદ તંત્ર પણ માત્ર ત્યાં રોડ બનાવી સંતોષ માની લેશે.
એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ માહિતી આપતા કહ્યું કે, હાટકેશ્વર બ્રિજ ડીમોલેશન કામ 35 ટકા પૂર્ણ થયું છે. 6 મહિનામાં સંપૂર્ણ કામ પૂર્ણ કરવાનો અંદાજ છે. હાટકેશ્વર બ્રિજ તોડ્યા બાદ તે સ્થળે બ્રિજ નહિ પણ રોડ બનાવાનું આયોજન છે. હાટકેશ્વર ખાતે કોઈ પણ રોડ નહિ બને.


