અમદાવાદ : અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) અંતર્ગત શહેર-જિલ્લાની 21 વિધાનસભા વિસ્તારમાં BLO દ્વારા એન્યુમરેશન ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં એક પણ લાયક મતદારનું નામ મતદારયાદીમાંથી બાકાત ન રહે તે માટે પણ સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નારણપુરા, સાબરમતી અને જમાલપુર-ખાડિયા વિધાનસભા મતવિસ્તારોમાં રિડેવલપમેન્ટના કારણે સ્થળાંતર થયેલા નાગરિકો માટે તા.15 અને 16 નવેમ્બરે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે 45 નારણપુરા, 55-સાબરમતી વિધાનસભા અને 52-જમાલપુર-ખાડિયાના મતદાર નોંધણી અધિકારીઓની અખબારી યાદીઓમાં જણાવ્યા અનુસાર શહેરના સાબરમતી, નારણપુરા અને જમાલપુર-ખાડિયા મતવિસ્તારમાં સમાવિષ્ટ જે વિસ્તારોમાં રિડેવલપમેન્ટના કારણે નાગરિકોએ સ્થળાંતર કર્યું છે, તેવા મતદારોને એન્યુમરેશન ફોર્મ સરળતાથી મળી શકે અને ભરીને પરત આપી શકે તે હેતુસર ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત, નારણપુરા અને સાબરમતી વિધાનસભા મતવિસ્તારોમાં શનિવાર અને રવિવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી, જ્યારે જમાલપુર-ખાડિયામાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી સંબંધિત મતદાન મથક ખાતેથી એન્યુમરેશન ફોર્મ મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે, જમાલપુર-ખાડિયા વિધાનસભા મત વિસ્તારમાં તા.15-16 ઉપરાંત તા.22 અને 23 નવેમ્બરે પણ ઉપરોક્ત સ્થળે કેમ્પ યોજાશે.આથી, સબંધિત તમામ મતદારોને આ કેમ્પનો લાભ લેવા સાબરમતી, નારણપુરા અને જમાલપુર-ખાડિયા મતવિસ્તારના ચૂંટણી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.


