અમદાવાદ : અમદાવાદના ખોખરા-કાંકરીયા રોડ પર વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ન્યૂ ગ્રીન માર્કેટ પાસે એક અજાણ્યા વાહને 70 વર્ષીય સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધા હતા. વાહનની ટક્કર વાગ્યા બાદ ટાયર વૃદ્ધના માથા પરથી ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ મામલે ટ્રાફિક પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ખોખરા વિસ્તારમાં કે.કા.શાસ્ત્રી કોલેજ પાસે આવેલી હિંમતલાલ બાપાલાલ પરમારની ચાલીમાં રમણભાઈ ડાયાભાઈ પરમાર (ઉ. વ. 70) તેમના પરિવાર સાથે રહેતા હતા. રમણભાઈ ખોખરા કાંકરિયા રોડ પર આવેલી ન્યુ ગ્રીન માર્કેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. 13 નવેમ્બરે રાત્રે તેઓ ગ્રીન માર્કેટ ખાતે નોકરીએ ગયા હતા. મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ તેઓ ચા પીવા માટે જતા હતા ત્યારે રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી.જેના કારણે તેઓ રસ્તા પર પટકાયા હતા. આ દરમિયાન વાહનનું વ્હીલ માથા પર ફરી વળ્યું હતું. જેના કારણે આખું માથું ચગદાઈ ગયું હતું અને તેમનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘટનાના પગલે રાત્રે ત્યાંથી પસાર થતાં લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જેથી ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ટ્રાફિક પોલીસે આ મામલે મૃતદેહને PMની કાર્યવાહી માટે મોકલી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.


