અમદાવાદ : વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા શહેરભરમાં નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના 50થી વધુ ગાર્ડન, 25 આરોગ્ય કેન્દ્રો અને 50 ક્લિનિકોમાં ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરની તપાસની સુવિધાઓ ધરાવતો મફત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોમાં ડાયાબિટીસની વધતી જતી ચિંતાજનક સ્થિતિ વિશે જાગૃતિ લાવવાનો અને વહેલી તકે નિદાનનું મહત્વ સમજાવવાનો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ 103 અલગ અલગ સ્થળે સહિત મુખ્ય કાર્યક્રમ પરિમલ ગાર્ડનમાં યોજાયો હતો. આ જાગૃતિ અભિયાનમાં IMA, અમદાવાદ મહાનગરપાલિકા (AMC), ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (IDF) અને ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (FPA) સંયુક્ત રીતે જોડાયા હતા. શહેરના વિવિધ જાહેર સ્થળો અને ગાર્ડનોમાં કુલ 6 જેટલા કેન્દ્રો પર નિ:શુલ્ક સુગર સ્ક્રિનિંગ (રક્ત શર્કરા તપાસ) અને બ્લડ પ્રેશર (BP) ચેકઅપ કેમ્પ ગોઠવવામાં આવ્યા હતા. આ એક દિવસીય કાર્યક્રમમાં અંદાજે 10000 થી વધુ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી લાભ લીધો હતો.

નિ:શુલ્ક સુગર સ્ક્રિનિંગ (રક્ત શર્કરા તપાસ) અને બ્લડ પ્રેશર (BP) ચેકઅપ કેમ્પમાં જે 2,221 નાગરિકોની તપાસ કરવામાં આવી હતી, તેમાંથી 29% લોકોમાં હાઈપરગ્લાયકેમિઆ (હાઈ બ્લડ સુગર) ના લક્ષણો જોવા મળ્યા હતા અને 35% લોકોમાં હાઈપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર) હોવાનું જણાયું હતું.

પ્રારંભિક પરિણામો શેર કરતા, AMA ના પ્રમુખ ડૉ. જિગ્નેશ શાહે જણાવ્યું હતું કે 644 વ્યક્તિઓમાં બ્લડ સુગરનું સ્તર વધી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. “તેમને વધુ નિદાન પરીક્ષણો કરાવવા અને સુધારાત્મક જીવનશૈલી અને આહારમાં ફેરફાર અપનાવવાની સલાહ આપવામાં આવી છે,” તેમણે ઉમેર્યું હતું કે 772 લોકોમાં હાઈ બ્લડ પ્રેશર હોવાનું જણાયું હતું – જે સ્ક્રીન કરાયેલા દરેક ત્રણ નાગરિકોમાંથી લગભગ એક છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત મેયર તથા ડોક્ટરોએ વધતા ડાયાબિટીસના કેસો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું કે, ડાયાબિટીસનું સમયસર નિદાન અત્યંત જરૂરી છે, કારણ કે તે આંખ, હૃદય સહિત અનેક ગંભીર રોગોને જન્મ આપી શકે છે. ખાસ કરીને બાળકોમાં વધી રહેલા પ્રી-ડાયાબિટીસના કેસોને ધ્યાનમાં રાખીને વધુ જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો.

તબીબી નિષ્ણાતો દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ ભારતમાં ડાયાબિટીસની અત્યંત ગંભીર અને ભયાનક સ્થિતિ દર્શાવે છે. હાલમાં, દેશમાં અંદાજે 101 મિલિયન (લગભગ 10.1 કરોડ) લોકો સત્તાવાર રીતે ડાયાબિટીસના દર્દીઓ તરીકે પીડિત છે. આ ઉપરાંત, આરોગ્ય માટે બીજું મોટું જોખમ એ છે કે અન્ય 136 મિલિયન (લગભગ 13.6 કરોડ) લોકો પ્રી-ડાયાબિટીસની ઝોનમાં છે, એટલે કે તેઓ ટૂંક સમયમાં જ પૂર્ણ-વિકસિત ડાયાબિટીસના રોગી બની શકે છે. આ આંકડાઓ દેશમાં સ્વાસ્થ્ય કટોકટી તરફ ઈશારો કરે છે.


