અમદાવાદ : અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ હેલ્લારોના અભિનેત્રી નીલમ પંચાલને એક કડવો અનુભવ થયો હતો. એક્ટ્રેસે ગાડી ધીમી ચલાવતાં ને બીજે રસ્તેથી લઈ જતાં ડ્રાઇવર સાથે બોલાચાલી કરી હતી. જેથી ડ્રાયવરે તેને ધમકી આપી હતી. એક્ટ્રેસે આ અંગે પોસ્ટ મૂકતા પોલીસ દોડતી થઈ હતી. જોકે એક્ટ્રેસ તેની ટ્રેન ચૂકી ગઈ હતી અને પોલીસે તેને બીજી ટ્રેનમાં રવાના કરી હતી. જે બાદ એક્ટ્રેસે પોસ્ટ ડિલિટ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી નીલમ પંચાલે અમદાવાદમાં પોતાના ઘરથી કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે કેબ બુક કરાવી હતી. તેમણે વંદે ભારત ટ્રેનમાં ટિકિટ બુક કરાવી હતી. જેથી કેબ બુક કર્યા બાદ કેબ ડ્રાઈવર આવ્યો હતો અને તેઓ સ્ટેશન તરફ જવા નીકળ્યા હતા. પરંતુ કેબ ડ્રાઈવર ગાડી ધીમે ચલાવતો હતો. તેમજ તેણે એપ દ્વારા બતાવ્યા કરતા બીજો રુટ પકડ્યો હતો. તેથી અભિનેત્રીએ તેને ગાડી જલ્દી ચલાવવા કહ્યું હતું. ઉપરથી ડ્રાઈવરે બીજો રુટ પકડતા અભિનેત્રીએ તેને ટોક્યો હતો. આ બાદ કેબ ડ્રાઈવર અને અભિનેત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી. પરંતું કેબ ડ્રાઈવરે અભિનેત્રીને ધમકી આપી હતી. આ કારણે નીલમ પંચાલ ડરી ગયા હતા અને અસુરક્ષિત અનુભવી રહ્યા હતા. તેથી તેમણે કેબમાં જ બેસીને અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસને ટેગ કરીને પોસ્ટ કરી હતી અને મદદ માંગી હતી.
બીજી તરફ, આ પોસ્ટ મળતાની સાથે જ અમદાવાદ પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને તાત્કાલિક કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી હતી. જ્યારે પોલીસ રેલવે સ્ટેશન પહોંચી, ત્યાં સુધીમાં કેબ ડ્રાઇવર નીલમ પંચાલને પ્લેટફોર્મ પાસે ઉતારીને જતો રહ્યો હતો. આના કારણે નીલમ પંચાલની મુંબઈ જવાની ટ્રેન છૂટી ગઈ હતી. અમદાવાદ પોલીસે રેલવે વિભાગ સાથે વાતચીત કરીને તેમને બીજી ટ્રેનમાં મુંબઈ જવાની વ્યવસ્થા કરી આપી હતી. અમદાવાદ પોલીસે કેબ ડ્રાઇવરના મોબાઈલ નંબર અને ગાડી નંબરના આધારે તપાસ શરૂ કરી છે.


