અમદાવાદ:સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર@150 અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે અમદાવાદમાં 16 મી નવેમ્બરથી તમામ વિધાનસભામાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે 17મી નવેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આંબલી ગામ ખાતે આવેલા ખોડીયાર મંદિર ખાતેથી આ યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરીને પદયાત્રામાં જોડાયા હતાં.‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશને વધુ મજબૂત કરવાના હેતુથી આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડીયા વિધાનસભામાં આવતા આંબલી વિસ્તારના ખોડીયાર માતાના મંદિર ખાતેથી આ યુનિટી માર્ચનો શુભારંભ કરાવ્યો હતો.
આ યુનિટી માર્ચ 3.5 કિલોમીટરથી વધુ લાંબી રહેશે, જે ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારના અલગ અલગ માર્ગો પર ફરીને પૂર્ણ થશે. આ યુનિટી માર્ચમાં મોટી સંખ્યામાં નાગરિકો, મહાનુભાવો અને AMCના પદાધિકારીઓ તથા અધિકારીઓ જોડાયા હતા, જેઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશો આપ્યો હતો.ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ રોડ પર ફરી પૂર્ણ થઈ છે.
આ યુનિટી માર્ચને લઈને બોપલ ઓવરબ્રિજ નીચે ટ્રાફિકજામ સર્જાયો હતો, ઓફિસ અવર્સમાં ટ્રાફિક જામ થયો હોવાના કારણે લોકોને તકલીફ પડી હતી. લોકોને ઓફિસ જવામાં મોડું થયુ હતું. બોપલથી એસજી હાઇવે તરફ જવા માટે 100 મીટર જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો. વૈષ્ણોદેવી સરદાર પટેલ રીંગરોડથી બોપલ જવા માટે આવનારા લોકો માટે રસ્તો બંધ કરી દેવામાં આવતા ટ્રાફિકજામ સર્જાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ 9મી નવેમ્બરે યુનિટીમાર્ચના ભાગરૂપે યોજનારી રાજ્યવ્યાપી પદયાત્રાનો જૂનાગઢથી પ્રારંભ કરાવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે આ યુનિટી માર્ચનું આયોજન રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જૂનાગઢ જિલ્લા વહીવટ તંત્રના ઉપક્રમે કરવામાં આવ્યું હતું.


