અમદાવાદ : અમદાવાદ શહેરમાં પાણી કાપ અંગે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરના કોતરપુર વોટર વર્કસ ખાતે 300 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાવર સપ્લાયનો કટ થયો હોવાના કારણે આવતીકાલે 18 નવેમ્બરના રોજ સવારે અંદાજિત 15 મિનિટ જેટલું પાણી ઓછું આપવામાં આવશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણા, સરખેજ, પાલડી, આશ્રમ રોડ, નવરંગપુરા, એલિસબ્રિજ, વાડજ, નવા વાડજ, અખબારનગર, નારણપુરા, સુભાષબ્રિજ, કેશવનગર, સાબરમતી અને ચાંદખેડા તેમજ પૂર્વ વિસ્તારમાં નરોડા, નિકોલ અને ઓઢવ વિસ્તારમાં પાણીની ઘટ પડશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોડક્શન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ કોતરપુર વૉટર વર્કસ ખાતે 300 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સવારે 11.30 વાગ્યાથી પાવર ગયો હતો. પાવર સપ્લાય બંધ થવાના કારણે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ થયો હતો. પશ્વિમ ઝોનના રાણીપ વોર્ડ સિવાય તમામ વોર્ડ અને ઉત્તર ઝોનના નરોડા વોર્ડ, પૂર્વ ઝોનના નિકોલ અને ઓઢવ વોર્ડના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણીમાં ઘટ પડશે. સવારે લોકોને ઓછું પાણી મળશે. જો કે, જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં પાણીના બોર છે ત્યાં બોર ચાલુ કરવામાં આવશે જેથી લોકોને પાણીની તકલીફ પડશે નહીં.


