અમદાવાદ : અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત સર્જી 9 લોકોનાં મોત નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જફ્રેમ કરવા અને સાક્ષીઓનાં નિવેદન લેવાની શરૂઆત કરવા હુકમ કર્યો હતો. તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ સાક્ષીઓની જુબાની શરૂ થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આ કેસમાં વિલંબ બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને ત્રણ અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ ગ્રામ્ય કોર્ટમાં કાર્યવાહી ઝડપી બની હતી. આજે જજે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલ પર લાગેલા આરોપો વાંચી સંભળાવ્યા હતા અને તેમની સહી લીધી હતી. ચાર્જફ્રેમ થવાથી હવે આ હાઈ-પ્રોફાઈલ કેસની ટ્રાયલ શરૂ થવાનો માર્ગ મોકળો થયો છે. આગામી સમયમાં કોર્ટ દ્વારા સાક્ષીઓને તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે આ કેસમાં ઘટનાના 7 દિવસમાં જ 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 191 સાક્ષીઓ અને FSL ના 15 રિપોર્ટ સહિત મજબૂત પુરાવા રજૂ કરાયા હતા. તથ્ય સામે IPC ની કલમ 304 હેઠળ ગુનો નોંધાયો છે, જેમાં 10 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. પિતા પ્રજ્ઞેશ પટેલ પર પણ પુરાવાનો નાશ કરવા અને આરોપીને ભગાડવામાં મદદ કરવા બદલ ચાર્જફ્રેમ કરાયા છે.
શું હતી સમગ્ર ઘટના ?
20 જુલાઈ 2023ના રોજ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર એક કાર ડિવાઇડર પર ચડી ગઇ હતી. જેને જોવા માટે લોકોનું ટોળું એકઠું થયું હતું. આ દરમિયાન તથ્ય પટેલે 160થી વધુની સ્પીડમાં બેફામ ગતિએ કાર હંકારી ટોળાને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 13 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ પોલીસે તથ્ય પટેલની ધરપકડ કરી હતી.


