અમદાવાદ : અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા તાજેતરમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે ના રોજ વિશાળ ડાયાબિટીસ કેમ્પના આયોજન બાદ વધુ એક પહેલ આદરી છે, જેમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદના સહયોગથી બુધવારે ટર્મિનલ 2 ખાતે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ, એરલાઈન કર્મચારીઓ અને સુરક્ષા દળો માટે મોટા પાયે CPR તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટનેશનલ એરપોર્ટ મુસાફરોની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપવામાં હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગત 19મી એ અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફ માટે વિશાળ CPR તાલીમ યોજાઈ.જેમાં CISFના કર્મચારીઓ, ખાનગી સુરક્ષા ટીમો, ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફ અને એરલાઈનના કર્મચારીઓ સહિત સો કરતાં વધુ સહભાગીઓએ હેન્ડ-ઓન ટ્રેનિંગમાં સક્રિયપણે ભાગ લીધો હતો.

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA)ની નિષ્ણાત પ્રશિક્ષકોની એક ટીમ – ડૉ. રસેશ દિવાન, ડૉ. સુનિલ શાહ, ડૉ. સંજય પાંડે, ડૉ. પાર્થ પટેલ, ડૉ. ચાંદની પટેલે લાઇવ ડેમોસ્ટ્રેશન કરાવ્યું હતું અને ઉચ્ચ-ગુણવત્તાવાળી CPR તકનીકો, કાર્ડિયાક અરેસ્ટની ઓળખ અને તાત્કાલિક ફર્સ્ટ-રિસ્પોન્સ ક્રિયાઓ દ્વારા સહભાગીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે AMAના પ્રમુખ ડૉ. જિજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે ફ્રન્ટલાઈન એરપોર્ટ સ્ટાફને જીવનરક્ષક કૌશલ્યોથી સજ્જ કરવાથી તબીબી કટોકટી દરમિયાન મહત્ત્વનો તફાવત આવી શકે છે. આ પહેલનો હેતુ શહેરના સૌથી વ્યસ્ત જાહેર સ્થળોમાંના એક પર કટોકટી પ્રતિસાદની તૈયારીને મજબૂત કરવાનો છે. AMA માન. સચિવ ડૉ. મૌલિક શેઠે એરપોર્ટ સત્તાવાળાઓનો તેમના સહકાર અને મજબૂત ભાગીદારી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

તાલીમ સત્રને ઉત્તમ પ્રતિસાદ મળ્યો અને અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સલામતી અને કટોકટીની તત્પરતા વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.


