અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન (AMC)ના બેદરકાર વહીવટની વધુ એક ઘટના મકરબા રોડ પર સામે આવી છે. મકરબા રોડ પર ટોરેન્ટ પાવર નજીક એક વ્યક્તિ ગટરમાં પડી ગઈ હતી. આ વ્યક્તિ AMCની ગટરના ઢાંકણામાં પડી ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.આ ઘટના સમયે રોડ પરથી પસાર થઈ રહેલા એક બહાદુર યુવકની સમયસૂચકતા અને હિંમતના કારણે આધેડનો જીવ બચી ગયો હતો. યુવકે પોતાનો જીવ જોખમમાં મૂકીને ગટરમાં ઉતરીને આધેડને બહાર કાઢ્યા હતા. આ ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ રોડ પર લાઈટ નથી અને ગટર પર ઢાંકણું પણ નથી. હાલમાં તો અન્ય કોઈ બનાવ ન બને તે માટે સ્થાનિક લોકોએ તો ગટર બંધ કરી છે.આધેડ ગટરમાં પડ્યા બાદ, AMC દ્વારા કોઈ કાર્યવાહી ન થતા રસ્તે જતા અન્ય કોઈ વ્યક્તિ ગટરમાં ન પડે તે માટે સ્થાનિક લોકોએ જાતે જ ગટર ઉપર આડશ મૂકીને સલામતીની વ્યવસ્થા કરવી પડી હતી. AMCની આ લાલિયાવાડીએ દર્શાવ્યું છે કે સામાન્ય નાગરિકોનો જીવ જોખમમાં મુકાય તો પણ તંત્ર જાગતું નથી.


