અમદાવાદ : અમદાવાદમાં લાંચખોરીનો એક મામલો સામે આવ્યો છે. જેમાં ACBએ SRP જવાન અને AMCના કર્મચારીને રંગેહાથે પકડી લીધા છે. નહેરૂ બ્રિજ નજીક આવેલ નેપચ્યુન હાઉસ ખાતે ACBએ કાર્યવાહી કરીને બે વ્યક્તિઓને લાંચ લેતા ઝડપી પાડયા છે.SRPના ASI રોશન ભુરિયા તથા AMC સોલિડ વેસ્ટ વિભાગના સુપરવાઈઝર ડામોર પ્રિન્સ ઉર્ફે વિકીને ACB ટીમે લાંચ લેતા પકડી લીધા છે. માહિતી પ્રમાણે, ACBએ આ કાર્યવાહી ફરિયાદના આધારે કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફરિયાદી એક ગિફ્ટ આર્ટિકલ સપ્લાયર છે. સપ્ટેમ્બર-2025માં આરોપી રોશનકુમાર ભુરીયાએ પોતાની સહકારી મંડળીના 670 સભ્યોને વાર્ષિક ભેટ આપવા 670 ગિફ્ટ આર્ટિકલનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર આપતી વખતે જ તેણે “થોડો ઘણો વ્યવહાર કરવો પડશે” એમ ઈશારો કર્યો હતો.13 નવેમ્બરે ફરિયાદીએ સામાન પહોંચાડી દીધો અને 8,37,500નું બિલ બનાવ્યું. ચુકવણી થયા પછી રોશનકુમારે બિલની રકમના 30% એટલે કે 2.51 લાખની લાંચ માંગી.
બિલની રકમના કુલ 30 ટકા લેખે 2.51 લાખ રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ રકઝક કરી હતી.જોકે ફરિયાદી શરૂઆતમાં 97,000 ASI રોશન કુમારના કહેવાથી કોન્ટ્રાક્ટ પરના સોલિડ વેસ્ટ કલેક્શન વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પ્રિન્સ ડામોર નામના વ્યક્તિને આપ્યા હતા.જે બાદ બાકીના 1.44 લાખ રૂપિયાની પણ રોશન કુમારે માંગણી કરી હતી.
ફરિયાદીને લાંચ ના આપવી હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવ્યું હતું જે દરમિયાન ફરિયાદીએ બાકીની લાંચની રકમ લેવા માટે રોશન કુમારને તેમની જ નહેરુ બ્રિજ ખાતે આવેલી ઓફિસમાં બોલાવ્યા હતા. રોશનકુમાર વતી ફરીથી લાંચ લેવા માટે પ્રિન્સ ડામોર જ આવ્યો હતો. ACBએ પ્રિન્સ ડામોરને ફરિયાદીની ઓફિસમાં જ લાંચ લેતા ઝડપી લીધો હતો. જ્યારે રોશન કુમારને ઓઢવ રીંગરોડ ખાતે આવેલા AMCના પાર્કિંગમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ACBએ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


