ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા અને શિક્ષણના કાર્યોને વધુ સરળ બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે.તેમજ રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને સુરતને શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર પૂર્વ અને કચ્છ – ભુજમાં પશ્ચિમ DEO કચેરીને મંજૂરી આપવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં કુલ 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી જિલ્લા સ્તરે શિક્ષણ સંબંધિત કામગીરીનું ભારણ ઘટશે અને શિક્ષણનું સંચાલન વધુ અસરકારક રીતે થઈ શકશે.અમદાવાદ શહેરમાં પણ DEO કચેરીનું વિભાજન કરવામાં આવશે. સાથે જ, કચ્છ જિલ્લાના ભુજ અને અંજારની DEO કચેરીનું પણ વિભાજન કરીને નવી કચેરી બનાવવામાં આવશે.
નવી DEO કચેરીઓના નિર્માણ માટે હાલના ચાર મહાનગરોને મુખ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. મંજૂર થયેલી 6 કચેરીઓમાં રાજકોટ, સુરત, ગાંધીનગર અને વડોદરા શહેરમાં હવે શહેર અને ગ્રામ્ય એમ બે અલગ-અલગ DEO કચેરીઓ કાર્યરત થશે. આ વિભાજનથી શૈક્ષણિક વહીવટમાં સુગમતા આવશે, કારણ કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની શૈક્ષણિક જરૂરિયાતો અલગ-અલગ હોય છે.
શિક્ષણ વિભાગના આ પગલાથી શાળાઓનું નિરીક્ષણ, શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદ મળશે, જેથી લાંબા ગાળે રાજ્યના શિક્ષણ સ્તરમાં સકારાત્મક બદલાવ આવી શકે છે.


