અમદાવાદ : અમદાવાદમાં કાલપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે નવી AC પ્રતિક્ષાલયની શરૂઆત કરવામાં આવી છે. 250થી વધુ લોકોની ક્ષમતા ધરાવતું આ આધુનિક પ્રતિક્ષાલય અનેક સુવિધાઓથી સજ્જ છે. જેમાં નાના બાળકો માટે બેબી કેર રૂમ, ગરમ પાણી માટેની પણ સવલત કરાઈ છે. આ ઉપરાંત મોબાઈલ ચાર્જિંગ અને નાસ્તા માટે સ્ટોલ જેવી સુવિધાનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ,કાલપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર 24 કલાક ખુલ્લું રાખવામાં આવનાર આ વેઈટિંગ રૂમનો ચાર્જ વયસ્કો માટે પ્રતિ કલાક ₹20 અને બાળકો માટે ₹10 નક્કી કરવામાં આવ્યા છે. સાથે જ ટોયલેટ, બાથરૂમ, દિવ્યાંગો માટે ખાસ બાથરૂમ તથા હોટલ અને કેબ બુકિંગ માટે હેલ્પ ડેસ્ક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુસાફરોને વધુ આરામદાયક, સુરક્ષિત અને સુવિધાસભર અનુભવ આપવા માટે રેલવે સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓમાં સુધારાઓ કરી રહ્યું છે.


