અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. શહેરના હીરાબાગ ક્રોસિંગ અને શારદા મંદિર રોડ પાસે એક જ દિવસમાં 5થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યો હોવાની ઘટના સામી આવી છે. એક ઘટનામાં PGમાં રહેતા યુવક પર શ્વાને હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના ગત 18 નવેમ્બરની હોવાનું જણાવાયું છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં બાળક, વૃદ્ધ સહિતના લોકો પર શ્વાનના હુમલાની ઘટના વધી રહી છે. જેમાં શહેરના હીરાબાગ સહિતના વિસ્તારમાં 5થી વધુ લોકોને શ્વાન કરડવાથી સ્થાનિકોમાં ભય જોવા મળ્યો છે. આ CCTVમાં શ્વાન યુવકને એકલો જોઈને ઝડપથી દોડીને કરડતો દેખાય છે. સ્થાનિકોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં રોજબરોજ આવી ઘટનાઓ બની રહી છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે.
શહેરના શારદા મંદિર રોડ પર આવેલા એક PGના યુવક પર શ્વાને હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ વાઇરલ થયા છે. વીડિયોમાં જોવા મળે છે કે, યુવક જ્યારે વ્હીકલ પાર્ક કરવા જાય છે, ત્યારે અચાનક શ્વાન ત્યાં આવીને યુવક પર હુમલો કરે છે અને પગના ભાગે કરડવા લાગે છે. આ દરમિયાન એક વ્યક્તિ યુવકને બચાવવા દોડી આવે છે.
આ ઘટનાઓને લઈને સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રખડતા શ્વાનોને પકડવાની કાર્યવાહી ફક્ત કાગળ પર જ ચાલે છે. અહીં દરરોજ લોકો કરડાય છે, પરંતુ મહાનગરપાલિકાની ટીમ ક્યારેય દેખાતી નથી.


